સવારથી રાત સુધી માનવી સતત દેહની દરકાર રાખતો હોય છે. શરીરની નાની નાની જરૂરિયાતો પર પૂરું ધ્યાન આપે છે અને એના સૌંદર્ય કે શક્તિની વૃદ્ધિ માટે અનેક ઉપાયો કરે છે. જિંદગીનો કેટલો બધો સમય એ આ શરીર માટે ગાળે છે ! એને એના શરીરનું બંધાણ થઈ ગયું હોય છે અને તેથી વાળ વેરવિખેર થાય કે કપડાં ટૂંકાં કે ચમકદાર ન હોય તો એ બેચેની અનુભવે છે. શરીરનાં સુખ અને પીડા સાથે એનું આખું સંવેદનતંત્ર જોડાઈ ગયું હોય છે અને તેથી માનવી દેહથી એક ક્ષણ પણ અળગો રહી શકતો નથી. એ જેમ શરીરને સ્વસ્થ રાખવાનું વિચારે છે, એ રીતે એણે મનની માવજત કરવી જોઈએ. તન અને મનનો જીવનભરનો સંબંધ છે. શરીરને આરામ આપે છે એમ એણે મનને આરામ આપવો જોઈએ. અતિશય કામ, અતિ વ્યસ્તતા અને માનસિક તનાવ વચ્ચે પણ એણે મનના સ્વાસ્થ્ય માટે થોડીક મિનિટો કાઢવી જોઈએ. કામના ઢગલા વચ્ચે દટાયેલો હોય તોપણ એની વચ્ચે થોડો સમય શાંતિથી બેસીને, આંખો બંધ કરી, પોતે જોયેલાં કોઈ પ્રકૃતિદર્શનને માણે તો એના મનમાં નવી તાજગી આવશે. જીવનમાં જોયેલાં ગમતાં પ્રકૃતિદૃશ્યો વચ્ચેથી તે મનને પસાર કરશે તો એનું મન સદા સ્વસ્થ અને સ્વાસ્થ્યપૂર્ણ રહેશે. એવાં દૃશ્યો એને આનંદ આપશે અને સતત એક પ્રકારના વિચાર-ઢાંચામાંથી મુક્ત કરશે. પહેલાં માનવીએ પ્રકૃતિનો ખોળો ગુમાવ્યો, પછી પ્રકૃતિનું દર્શન ગુમાવ્યું અને આજે આખી પ્રકૃતિ જ ખોઈ બેઠો છે. પ્રકૃતિમાં રહેલી પરમની ભવ્યતા, જીવનનો ઉલ્લાસ અને અંતર્મુખતાનો આનંદ પામવો હોય તો એણે પ્રકૃતિ પાસે જવું જ પડશે.
કુમારપાળ દેસાઈ