જ. ૯ ફેબ્રુઆરી, ૧૮૯૬ અ. ૧૧ ઑગસ્ટ, ૧૯૮૬

સંસ્કૃતના પ્રખર વિદ્વાન, વિવેચક અને અનુવાદક પ્રતાપરાય મોદીનો જન્મ ભાવનગરમાં થયો હતો. પિતા મોહનલાલ અને માતા સૂરજબહેન મોદી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. ભણવામાં ખૂબ તેજસ્વી હતા. મૅટ્રિકમાં ભાવનગર રાજ્યની તમામ શાળાઓમાં પ્રથમ સ્થાને આવ્યા અને શ્રી જશવંતસિંહજી સ્કૉલરશિપ પ્રાપ્ત કરી. ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયા તથા દક્ષિણા ફેલોશિપ મેળવી. એમ.એ.ની ઉપાધિ ૧૯૨૬માં કાશીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી મેળવી. ૧૯૨૮માં જર્મનીની કિલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ ૧૯૨૬થી ૧૯૫૩ સુધી ભાવનગરની શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી. તે પછી જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક બન્યા અને પછી આચાર્ય તરીકે કામગીરી કરી નિવૃત્ત થયા. ૧૯૬૧થી તેમણે એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા ખાતે માનાર્હ અધ્યાપક તરીકે કામ કર્યું. તેમણે આજીવન સંસ્કૃત ભાષા અને સાહિત્યની નિ:સ્વાર્થપણે સેવા બજાવી હતી. તેમણે ૧૩થી વધુ ગ્રંથો અને ૫૩ જેટલા સંશોધનલેખો આપ્યા છે. તેમાં હિંદુ ધર્મનાં મૂળ તત્ત્વો, ‘રામાનુજાચાર્ય’, ‘એ ક્રિટિક ઑવ્ ધ બ્રહ્મસૂત્ર’, ‘શ્રી મધુસૂદન શાસ્ત્રીનું સિદ્ધાંતબિંદુ’ (અંગ્રેજી અનુવાદ), ‘શ્રીમદ્ ભગવદગીતા – એક અભિનવ દૃષ્ટિબિંદુ’, ‘ધ ભગવદગીતા – એ ફ્રેશ અપ્રોચ’, ‘શ્રીમદ્ ભગવદગીતા – એક સરળ ભાષાંતર’, ‘શુદ્ધાદ્વૈત લેક્ચર્સ’ અને ‘શ્રીમદ્ અણુભાષ્ય’ (અંગ્રેજી ભાષાંતર) વગેરે મુખ્ય છે. તેમને અનેક પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા હતા. તેમાં સુજ્ઞ શ્રી ગોકુળજી ઝાલા વેદાંત પ્રાઇઝ, શેઠ ટોડરમલ શુદ્ધાદ્વૈત વેદાંત પ્રાઇઝ મુખ્ય છે. તેમની કૃતિ ‘શ્રીમદ્ ભગવદગીતા – એક અભિનવ દૃષ્ટિબિંદુ’ને ગુજરાત યુનિવર્સિટી તરફથી ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ઓરિયેન્ટલ કૉન્ફરન્સની અનેક બેઠકોમાં તેમણે ભાગ લીધો હતો. ૧૯૬૭માં ભારત સરકાર તરફથી ‘પ્રેસિડન્ટ ઍવૉર્ડથી વિભૂષિત થનારા તેઓ ગુજરાતના સંસ્કૃત પ્રાધ્યાપકોમાં પ્રથમ હતા. ડૉ. રાધાકૃષ્ણન, ડૉ. ઝાયરમૅન, ડૉ. સુબ્રીંગ, પ્રો. હરમાન માસેલી, ડૉ. લક્ષ્મણ સ્વરૂપ, મહામહોપાધ્યાય પી. વી. કાણે જેવા લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાનોએ તેમની વિદ્વત્તાની કદર કરી છે.
અમલા પરીખ