પ્રભુત્વ માનવીને પામર બનાવે છે !


દરેક વ્યક્તિ એના જીવનમાં પ્રભુત્વનો ખેલ ખેલતી હોય છે. તે અમીર હોય કે ગરીબ, સત્તાવાન હોય કે નિર્ધન, ઊંચ હોય કે નીચ, નાની હોય કે મોટી – પણ એને પ્રભુત્વનો યા ચઢિયાતાપણાનો ખેલ ખેલવો અતિ પ્રિય હોય છે. સત્તાધારી વ્યક્તિ રાજ્ય પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા કોશિશ કરે છે. સમાજનો પ્રમુખ સમાજના સભ્યો પર પોતાનું પ્રભુત્વ લાદવા પ્રયાસ કરે છે. માફિયા પણ આવું પ્રભુત્વ દર્શાવીને ધાકધમકી કે હત્યાથી પોતાનો પ્રભાવ દર્શાવવા પ્રયાસ કરે છે. પિતા પુત્ર પર, પતિ પત્ની પર આવું પ્રભુત્વ સ્થાપવા અહર્નિશ પ્રયત્ન કરે છે. પ્રભુત્વની આ રમત પ્રાંગણમાં ખેલતાં બાળકોમાં પણ જોવા મળે છે. શાળામાં મૉનિટર બનતા વિદ્યાર્થીમાં કે અગ્રતાક્રમે ઉત્તીર્ણ થતાં બાળકોમાં પણ જોઈ શકાય છે. સામાન્ય વ્યક્તિ પણ અતિ સામાન્ય પર કે મોટો ભાઈ નાના ભાઈ પર અહંકારપૂર્વક પ્રભુત્વ સ્થાપવાની કોશિશ કરે છે. એક અર્થમાં કહીએ તો દરેક માણસ પોતાના શિરે પ્રભુત્વનો પથ્થર ઊંચકીને ચાલતો હોય છે. એ પથ્થર એની હેસિયત પ્રમાણે નાનો પણ હોય અને મોટો પણ હોય ! પરંતુ એ પથ્થરનો બોજ માથા પર ઊંચક્યા વિના એને જિંદગીની મજા આવતી નથી. હા, એવું બને ખરું કે એ વારંવાર જિંદગી ભારરૂપ કે બોજરૂપ બની ગયાની ફરિયાદ કરતો હોય છે, છતાં પ્રભુત્વના ગમતા બોજને નીચે ઉતારતો નથી. પ્રભુતા સાથે ભ્રષ્ટતા જોડાયેલી છે. પ્રભુત્વ પામવા અને જાળવવા માટે માનવી ભ્રષ્ટ થતાં અચકાતો નથી. સમાજમાં પ્રભુત્વ સ્થાપવા નીકળેલ ઠેકેદાર સમાજ પર જુલમ કરીને પોતાનું પ્રભુત્વ દર્શાવે છે. પરિવારમાં પ્રભુત્વ દર્શાવવા માટે વડીલો ક્રૂર આચરણ કરતાં પણ અચકાતા નથી, શાસક પોતાનું પ્રભુત્વ દાખવવા માટે દમનના કોરડા વીંઝતો હોય છે.