પ્રમોદ મહાજન


જ. ૩૦ ઑક્ટોબર, ૧૯૪૯ અ. ૩ મે, ૨૦૦૬

પ્રમોદ વેંકટેશ મહાજન ભારતના રાજકીય નેતા હતા. તેમનો જન્મ મહબૂબનગર, તેલંગાણામાં વેંકટેશ દેવીદાસ મહાજન તથા પ્રભાવતીને ત્યાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ૨૧ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. શાળાકીય શિક્ષણ તેમણે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના યોગેશ્વરી વિદ્યાલય તથા મહાવિદ્યાલયમાં લીધું હતું. પૂનાની રાનડે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જર્નાલિઝમમાંથી ફિઝિક્સ અને જર્નાલિઝમ વિષય સાથે સ્નાતક તથા રાજ્યશાસ્ત્રના વિષય સાથે અનુસ્નાતક થયા હતા. ગોપીનાથ મૂંડે તેમના સહાધ્યાયી હતા જે પાછળથી તેમના બનેવી બન્યા હતા. સક્રિય રાજનીતિમાં જોડાયા પહેલાં તેઓ ખોલેશ્વર કૉલેજ અંબેજોગાઈમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સભ્ય હતા પણ મરાઠી સમાચારપત્ર ‘તરુણ ભારત’ના સહસંપાદક બન્યા પછી નોકરી છોડી પૂર્ણ સમય માટે આરએસએસના પ્રચારક બની ગયા. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના જનરલ સેક્રેટરી બન્યા. ૧૯૮૩થી ૮૫ દરમિયાન તેઓ પાર્ટીના ઑલ ઇન્ડિયા સેક્રેટરી અને ૧૯૮૪માં ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ ઑલ ઇન્ડિયા ભારતીય જનતા યુવામોરચાના પ્રમુખ બન્યા. તેમની મહેનત અને વ્યવસ્થાપન કુશળતાને લીધે તેઓ ધીમે ધીમે વગ ધારણ કરતા ગયા અને રાષ્ટ્રીય સ્તરે પણ તેમની ગણના થવા લાગી. ૧૯૯૦ પછી બીજેપી પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની રામ રથયાત્રાનું કુશળતાપૂર્વક આયોજન કરી તેઓ નેતાની હરોળમાં આવી ગયા. તેઓ ૧૯૮૬-૯૨, ૧૯૯૨-૯૬, ૧૯૯૮-૨૦૦૪ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૬માં તેઓ મુંબઈ ઉત્તરપૂર્વમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા.

અટલ બિહારી બાજપાઈની ૧૩ દિવસની સરકારમાં તેમની નિમણૂક રક્ષામંત્રી તરીકે કરવામાં આવી હતી. ૧૯૯૮માં જ્યારે બીજેપીએ ફરીથી સરકાર બનાવી ત્યારે વડાપ્રધાનના સલાહકાર તરીકે ફરજ બજાવી. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી જીતી, માહિતી-પ્રસારણ અને ફૂડ પ્રોસેસિંગ મંત્રી બન્યા. એક વર્ષ પછી તેમની બદલી પાર્લમેન્ટરી અફેર્સ અને વૉટર રિસોર્સિસ મંત્રી તરીકે કરવામાં આવી. મહિના પછી તેમને પાર્લમેન્ટરી અફેર્સ ઉપરાંત ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી ખાતું સોંપવામાં આવ્યું. ૨૦૦૧માં કૉમ્યુનિકેશન મંત્રી બન્યા.

૨૨ એપ્રિલ, ૨૦૦૬ના દિવસે તેમના નાના ભાઈ પ્રવીણે હતાશામાં તેમને ગોળી મારી હતી. ૧૩ દિવસ મોત સામે ઝઝૂમ્યા બાદ ત્રીજી મેના દિવસે તેમનું અવસાન થયું હતું.

અમલા પરીખ