પ્રશંસાની લાલસા એ આત્મહત્યા છે !


માણસને વળગેલી સૌથી મોટી ગુલામી તે બીજાના મુખે સ્વપ્રશંસા સાંભળવાની એની તીવ્ર ઇચ્છા છે. એ પોતાની સિદ્ધિનો આનંદ ગુમાવી બેઠો છે અને અન્ય વ્યક્તિ એ સિદ્ધિની પ્રશંસા કરે એની રાહ જોઈને ટાંપીને બેઠો છે. પરિણામે સ્વ-જીવનની આનંદ-મસ્તી ગુમાવી દીધી છે. એનું લક્ષ્ય આત્માનંદને બદલે અન્ય દ્વારા થતી પ્રશંસા છે. બીજા લોકો પોતાની પ્રશંસા કરે તે માટે માણસ કેટલો બધો ઉત્સુક રહે છે. એ પોતાની સિદ્ધિનાં ગુણગાન ગાયા કરે છે અને એમ કરીને બીજા પાસેથી બિરદાવલીની અપેક્ષાઓ રાખ્યા કરે છે. પોતાની પ્રાપ્તિની વાત કરે છે અને બીજા પાસેથી પોતાના પુરુષાર્થ માટે શાબાશી મેળવવાની કામના રાખે છે. એ પોતાના વિશે જે કંઈ કહે છે તે બીજાની પ્રશંસાની ભીખ માગવા માટે બોલે છે. વ્યક્તિનું લક્ષ્ય પોતાને બદલે બીજા પર ઠર્યું હોવાથી એ બીજાની નજરે પોતે સુખી, સમૃદ્ધ અને સત્તાવાન દેખાય, તેમને માટે રાત-દિવસ પ્રયત્ન કરે છે. બીજાને એની પ્રચંડ શક્તિનો પરિચય થાય કે પછી બીજાને એની અઢળક સમૃદ્ધિનો ખ્યાલ આવે, તે એનું મુખ્ય લક્ષ્ય બને છે. આથી એની દૃષ્ટિ પરાવલંબી બની જાય છે અને સમય જતાં એનું આખુંય જીવન બીજાને કેવો લાગીશ, દેખાઈશ અને અન્ય પર પોતાનો કેવો રુઆબ પડશે તેમાં સમેટાઈ જાય છે. આમ કરવા જતાં એ પોતીકી રીતે જીવતો નથી. ક્ષણે ક્ષણે એ અન્યને નજર સમક્ષ રાખીને જીવે છે. પ્રશંસા સાથે અહંકાર જોડાઈ જાય છે, સત્તા કે સંપત્તિનો અહંકાર આવી પ્રશંસા માટે સદૈવ આકુળવ્યાકુળ થતો હોય છે. સમય જતાં વૈભવની વાત વીસરાઈ જાય છે. સત્તાના પ્રભાવની ફિકર રહેતી નથી, માત્ર પ્રશંસા એ એકમાત્ર ધ્યેય બની રહે છે.