જ. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૨૦ અ. ૧૨ જુલાઈ, ૨૦૧૩

હિંદી ફિલ્મના મુખ્યત્વે ચરિત્ર અભિનેતા પ્રાણનો જન્મ દિલ્હીમાં સમૃદ્ધ પંજાબી પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ પ્રાણકિશન સિકંદ હતું. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા. અભ્યાસ બાદ લાહોરમાં છબીકાર તરીકે નોકરીની શરૂઆત કરી. નસીબજોગે તેમનો સંપર્ક વલીસાહેબ સાથે થયો. તેમણે પ્રાણને પંચોલી સ્ટુડિયોમાં જોડાવા નિમંત્રણ આપ્યું. તેમની અભિનયયાત્રા પંજાબી ફિલ્મ ‘યમલાજટ’થી ૧૯૩૯માં શરૂ થઈ. ત્યારબાદ પંજાબી ફિલ્મ ‘ચૌધરી’ અને હિંદી ફિલ્મ ‘ખજાનચી’માં નાની ભૂમિકાઓ ભજવી. ૧૯૪૨માં હિંદી ફિલ્મ ‘ખાનદાન’માં નૂરજહાંની સામે નાયકની ભૂમિકા નિભાવી. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા ત્યાં સુધી દસેક ફિલ્મોમાં અભિનય કર્યો. ૧૯૪૮માં મુંબઈ આવ્યા. મિત્ર શ્યામની ભલામણથી ‘ઝિદ્દી’ ફિલ્મમાં અભિનય કરવાની તક મળી. ૫૪ સપ્તાહ ચાલેલી આ ફિલ્મે પ્રાણને નવી ઊંચાઈ બક્ષી. ત્યારબાદ ખલનાયક તરીકેની અનેક ભૂમિકાઓ ભજવી પ્રસિદ્ધિ પામ્યા. તેમણે ચોર, બદમાશ, ડાકુ વગેરે જેવી ભૂમિકાઓ ભજવી. ખલનાયકી સાથે હાસ્યરસનું પણ મિશ્રણ કરી અનેકવિધ અદાઓ અપનાવી તેઓ અત્યંત લોકપ્રિય બન્યા અને સિનેસૃષ્ટિમાં છવાઈ ગયા. ખલનાયક ઉપરાંત પણ તેમણે ‘આહ’, ‘મધુમતી’, ‘શહીદ’, ‘ઉપકાર’, ‘જંજીર’, ‘મજબૂર’ વગેરે ફિલ્મોમાં યાદગાર વિશિષ્ટ ભૂમિકાઓ ભજવી. ‘જંગલ મેં મંગલ’માં વિવિધ પ્રકારની ત્રણ ભૂમિકાઓ ભજવી. ૩૫૦થી પણ વધુ હિંદી તેમજ અન્ય ભાષાઓની ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો. ખલનાયક તરીકે પ્રેક્ષકોમાં ધિક્કારની લાગણી જગાડનાર પ્રાણ વાસ્તવિક જીવનમાં નરમ દિલ, પરગજુ સજ્જન વ્યક્તિ હતા. તેઓ સમાજ-રાજકારણ ક્ષેત્રે અન્યાયનો પ્રતિકાર કરતા. સિનેસૃષ્ટિના આ સદાબહાર કલાકારને ‘ઉપકાર’, ‘આંસુ બન ગયે ફૂલ’ અને ‘બેઈમાન’માં ઉત્કૃષ્ટ અભિનય બદલ દરેક માટે ફિલ્મફેર ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા. ૧૯૯૭માં ફિલ્મફેર લાઇફટાઇમ એચીવમેન્ટ એનાયત કરવામાં આવ્યો. ૨૦૦૧માં તેમને પદ્મભૂષણથી અને ત્યારબાદ દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા.
શુભ્રા દેસાઈ