જ. ૨૮ માર્ચ, ૧૭૮૭ અ. ૨૬ માર્ચ, ૧૮૪૭

‘ગુજરાતી મુદ્રણના જનક’, જૂનામાં જૂના ગુજરાતી વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક, તંત્રી, કવિ અને અનુવાદક ફરદૂનજી મર્ઝબાનનો જન્મ સૂરતમાં પારસી કુટુંબમાં થયો હતો. પિતાનું નામ મોબેદ મર્ઝબાનજી. ફરદૂનજીએ પિતા પાસેથી ગુજરાતી અને ફારસીના શિક્ષણ ઉપરાંત મોબેદી(પારસી ગોરપદા)ની તાલીમ મેળવી હતી. ફારસી ઉપરાંત પંડિત પાસે સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો હતો. ભરૂચના હકીમ ગોલાલ મોડિયુદ્દીન પાસેથી યુનાની વૈદકનું જ્ઞાન મેળવ્યું. ૧૭૯૯માં તેઓ મુંબઈ ગયા. ત્યાં પ્રખ્યાત દસ્તૂરમુલ્લાં ફીરોઝાદ્દીન પાસેથી જરથોસ્તી ધર્મશાસ્ત્રો ઉપરાંત અરબી-ફારસીમાં તાલીમ અને જાણકારી મેળવી. તેમના જ પુસ્તકાલયનાં પુસ્તકોની દેખભાળ લેવા ઉપરાંત પુસ્તકો બાંધવાનું અને મરામત કરવાનું કામ પણ શીખ્યા. ૧૮૦૮માં બુકબાઇન્ડિંગના કામમાં જોડાયા. દુકાન ખરીદીને ગામેગામ આડતિયા રોકી મુંબઈથી ગુજરાતમાં સૌપ્રથમ વ્યવસ્થિત આંગડિયા સેવા-ટપાલસેવા શરૂ કરી. ધીમે ધીમે દેશાવરમાં પણ કાગળો પહોંચતા કરવા લાગ્યા. એ અરસામાં તેઓ જીજીભાઈ બહેરામજી છાપગર નામના કંપોઝિટરના સંપર્કમાં આવ્યા. તે સમયે સમગ્ર મુંબઈ શહેર અને ઇલાકામાં એક પણ દેશી છાપખાનું ન હતું. ફરદૂનજીએ ૧૮૧૨માં મુંબઈમાં કોટવિસ્તારમાં સૌપ્રથમ છાપખાનાનો પ્રારંભ કર્યો. લાકડાનો દાબપ્રેસ મેળવીને જીજીભાઈ પાસે કળા શીખીને છાપવાનો સરંજામ ઊભો કર્યો. ગુજરાતી બીબાંનો સેટ તીખા લોટા પર કોતરાવ્યો. પોતે જ તાંબાની તકતીઓ ઠોકી તેને સીસામાં ઢાળી ટાઇપ પાડ્યા. આ ટાઇપ પાડવા, ઘસવા અને સાફ કરવામાં તેમણે કુટુંબના સૌને કામે લગાડ્યા. શરૂઆતમાં કેટલાંક પુસ્તકો પ્રગટ કર્યા પછી ૧૮૧૪માં તેમણે પોતાના છાપખાનામાં સંવત ૧૮૭૧નું પહેલવહેલું ગુજરાતી પંચાંગ પ્રસિદ્ધ કર્યું. ૧૮૨૨માં ગુજરાતી ભાષામાં ‘મુંમબઈના શમાચાર’ નામનું અઠવાડિક શરૂ કર્યું. તેનું માસિક લવાજમ બે રૂ. રાખેલું. ૧૮૩૨થી અઠવાડિયામાં બે વાર પ્રકાશિત કરવા માંડ્યું અને ૧૮૫૫થી તેને દૈનિકમાં ફેરવ્યું. જાહેરખબરો, જન્મ-મૃત્યુ તિથિવાર નોંધો અને લોકોપયોગી ચીજવસ્તુઓની વિગતો પ્રસિદ્ધ કરવાથી તેની લોકપ્રિયતા ખૂબ વધી હતી.
અમલા પરીખ