ફાટફાટ સમૃદ્ધિ કોરીકટ દરિદ્રતા લાગે છે !


આખો દિવસ વાદળછાયું આકાશ હોય અને સૂર્યનું એક કિરણ પણ જોવા ન મળે, ત્યારે એને પામવા માટે મન કેટલું બધું તડપતું હોય છે ! એ પ્રકાશ વિના વાતાવરણ ગમગીન અને ઉદાસ લાગે છે અને ચિત્ત પર ભારે બોજનો અનુભવ થાય છે. એવા વાદળછાયા આકાશમાંથી કિરણ ફૂટે, ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાય ત્યારે મન કેવું નાચી ઊઠે છે ! પ્રકાશની સાથે ચિત્તને ગાઢ સંબંધ છે. એ જ મનને તાજગી, સ્ફૂર્તિ અને ઉત્સાહ આપે છે, પરંતુ જ્યારે આત્મામાં પ્રકાશનો અનુભવ થાય છે ત્યારે એમ લાગે છે કે બહારનું અંધારું કે પ્રકાશ – એ સઘળું જ અંધકારમય હતું. જેને ઉત્સાહપ્રેરક પ્રકાશ માનતા હતા એ પણ ક્યાં પ્રકાશ છે ? ભીતરનો પ્રકાશ મળતાં બહારનો પ્રકાશ અંધકારમાં પરિવર્તન પામે છે. ધીરે ધીરે બહારનો પ્રકાશ કે અંધકાર બધું જ ઓગળી જાય છે અને ભીતરમાં પ્રકાશનું અજવાળું સતત ફેલાયેલું રહે છે.

આ ભીતરનો પ્રકાશ કોઈ આકાર ધરાવતો નથી, કોઈ વસ્તુ સાથે સંબંધિત નથી. માત્ર એનો અનુભવ વ્યક્તિના અણુએઅણુમાં વ્યાપી રહે છે. એ પ્રકાશમાંથી જાગતી દૃષ્ટિ જગતને બદલી નાખે છે, પહેલાં બહાર જે દેખાતું હતું અને જેની ચાહના હતી એ બધું શૂન્યવત્ બની જાય છે. બહારની ગમગીની કે ઉત્સાહ ઓસરી જાય છે. એ પ્રકાશનો કઈ રીતે ઉદગમ થયો, એનો સહેજે અણસાર નહોતો, પણ ભીતરનો આ પ્રકાશ વ્યક્તિનું અસ્તિત્વ પલટી નાખે છે. દુનિયા એવી જ બેઢંગી હોય છે, પણ પ્રકાશની પ્રાપ્તિ પછી સઘળા  ઢંગ બદલાઈ જાય છે. જીવન એ જ હોય છે, પણ જીવનના રંગ પલટાઈ જાય છે. પહેલાં લાલ રંગનું આકર્ષણ હતું, હવે શ્વેત રંગ પસંદ પડે છે. પહેલાં જેમ ફાટફાટ સમૃદ્ધિ જોઈ હતી, ત્યાં કોરીકટ નિર્ધનતા નજરે પડે છે.

કુમારપાળ દેસાઈ