બળવંત પાંડુરંગ કિર્લોસ્કર


જ. ૩૧ માર્ચ, ૧૮૪૩ અ. ૨ નવેમ્બર, ૧૮૮૫

મરાઠી ભાષાના પ્રથમ ઉત્તમ સંગીત નાટ્યકાર અને સંગીત નાટ્યભૂમિના શિલ્પી બળવંત કિર્લોસ્કરનો જન્મ ધારવાડમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અણ્ણાસાહેબના નામથી જાણીતા આ ઉત્કૃષ્ટ રંગમંચના અભિનેતા, સંગીતકાર અને કવિ પણ હતા. તેમણે બાર વર્ષો સુધી કાનડી અને મરાઠી ભાષાનું અધ્યયન ઘરમાં જ કર્યું. પુણેમાં ઉચ્ચશિક્ષણ લીધું. વિદ્યાર્થીકાળથી જ નાટકો પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા. તેઓ નાટકમંડળીઓ માટે ગીતો રચી આપતા. સમય જતાં તેમણે પોતાની કિર્લોસ્કર નાટકમંડળીની સ્થાપના કરી, પરંતુ તેમાં સફળતા ન મળતાં પાછા પોતાને ગામ આવ્યા. ત્યાં તેમણે ‘શંકરદિગ્વિજય’ નાટક લખ્યું (૧૮૭૩). ‘અભિજ્ઞાન શાકુંતલમ્’નો મરાઠી અનુવાદ કરી તેમાં પોતાની રચનાઓ ઉમેરીને તે ભજવ્યું. તેને ખૂબ સફળતા મળતાં કિર્લોસ્કર નાટક મંડળી પુનર્જીવિત કરી. ૧૮૮૨માં ‘સંગીત સૌરભ નાટક લખ્યું અને સફળતાપૂર્વક ભજવ્યું, જે ખૂબ લોકપ્રિય બન્યું. ૧૮૮૪માં લખેલું ‘રામરાજ્યવિયોગ’ નાટક તેમની અંતિમ કૃતિ હતી. તેઓ કુશળ નટ અને દિગ્દર્શક પણ હતા. મહારાષ્ટ્રની અત્યંત પ્રચલિત સંગીતનાટક પ્રવૃત્તિના તેઓ જનક હતા. પ્રસંગ અને હાવભાવને અનુરૂપ ગીતરચના કરવામાં તેઓ કાબેલ હતા. તેઓ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. તેમણે અનેક આખ્યાનોની પણ રચના કરી છે. બેલગામ ખાતે તેમણે સ્થાપેલી ‘ભરતનાટ્યોત્તેજક મંડળી’એ તેમનાં નાટકો સફળતાપૂર્વક ભજવ્યાં. સાંગલીકર નાટકમંડળી માટે તેમણે ‘શ્રીકૃષ્ણ પારિજાત’ નામનું નાટક લખ્યું. તેમણે શિવાજી મહારાજ પર ૫૦૦ આર્યા ધરાવતું ખંડકાવ્ય રચ્યું હતું. ૧૯૪૩માં મહારાષ્ટ્રમાં તેમની જન્મશતાબ્દી ધામધૂમથી ઊજવવામાં આવી હતી. પુણે ખાતે તેમના ચાહકોએ ‘કિર્લોસ્કર નાટ્યગૃહ’ની રચના કરીને તેમને ભાવભીની અંજલિ અર્પી. ઉત્તમ નાટ્યલેખન, નાટ્યપ્રયોગ, સંગીત વગેરેને કારણે તેઓ મરાઠી સંગીત રંગભૂમિના આદ્યશિલ્પી ગણાય છે.