જ. ૨૬ ડિસેમ્બર, ૧૯૧૪ અ. ૯ ફેબ્રુઆરી, ૨૦૦૮
ડૉ. મુરલીધર દેવીદાસ આમટે ભારતના સન્માનિત સમાજસેવક, ચિંતક, કવિ, રક્તપિત્તના રોગીઓની સારવાર માટે આશ્રમો સ્થાપનાર જગતભરમાં વિખ્યાત વ્યક્તિ હતા. મહારાષ્ટ્રમાં વર્ધા જિલ્લાના હિંગણઘાટ ગામમાં તેઓનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ નાગપુરમાં અભ્યાસ કરી બી.એ. અને એલઅલ.બી.ની ડિગ્રીઓ હાંસલ કરી વકીલ બન્યા હતા. ગાંધીજી અને વિનોબાજીથી પ્રભાવિત થયેલા આમટેએ ગામડાંમાં અભાવમાં રહેતા લોકોની મૂળ સમસ્યા સમજવાનો પ્રયાસ કર્યો. વરોરા ગામના ઉકરડા પાસે પડેલા રક્તપિત્તના રોગીને જોઈ તેમના જીવનમાં પરિવર્તન આવી ગયું. મનુષ્યદેહની આવી દુર્દશા જોઈ તેમનું હૃદય દ્રવી ગયું, તેઓએ તેમની સારવાર કરવાનું નક્કી કર્યું. મહારાષ્ટ્રના વરોરા ગામની બહાર પત્ની સાધનાતાઈ, બે પુત્રો – પ્રકાશ અને વિકાસ સાથે તેઓએ તે ઉજ્જડ જમીનમાં ખેતી કરવાનું તથા રક્તપિત્તના દર્દીઓની સારવાર કરવાનું નક્કી કર્યું. ૧૯૫૧માં વિનોબા ભાવેના હસ્તે ત્યાં જ આનંદવન નામની સંસ્થાનું વિધિવત્ ઉદ્ઘાટન કર્યું. આનંદવનમાં બે હજારથી વધારે રક્તપિત્તના દર્દીઓ અને અપંગો ખેતી, દુગ્ધવ્યવસાય અને નાનામોટા અનેક ઉદ્યોગો દ્વારા રોજી મેળવી સ્વમાનભેર જીવે છે. ૧૯૭૪માં બાબા આમટેએ ચંદ્રપુરના દંડકારણ્યમાં આદિવાસી લોકોની સેવા માટે ‘લોકબિરાદરી’ નામની સંસ્થા સ્થાપી, નિશાળો, દવાખાનાં અને ઉદ્યોગકેન્દ્રો સ્થાપ્યાં. પંજાબમાં ત્રાસવાદીઓની હિંસક ઘટનાઓથી વ્યથિત થઈ બાબા આમટેએ ૧૯૮૫માં એકતાનો સંદેશો ફેલાવા યુવક-યુવતીઓ સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ‘ભારત જોડો’ સાઇકલયાત્રાની રાહબરી લીધી. તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે. રાષ્ટ્રભૂષણ, જમનાલાલ બજાજ પુરસ્કાર, ડેનિયન ડટ્ટન પુરસ્કાર, મેગ્સેસે પુરસ્કાર, રાષ્ટ્રસંઘ શાંતિ પુરસ્કાર અને પદ્મવિભૂષણ અલંકરણથી સન્માનવામાં આવ્યા છે. ભારત સરકારે ૨૦૧૪માં બાબા આમટેના સન્માનમાં સ્ટૅમ્પ બહાર પાડી છે.
અંજના ભગવતી