બાબુભાઈ રાણપરા


જ. ૪ ફેબ્રુઆરી, ૧૯૪૩ અ. ૧૬ જુલાઈ, ૨૦૧૪

જાણીતા લોકસંગીત કલાકાર બાબુભાઈ રાણપરાનો જન્મ મહેસાણા તાલુકાના ઝકાસાના (Zakasana) ગામે થયો હતો. માતા સંતોકબહેન અને પિતા ગિરધરજીભાઈ. માતા સંતોકબહેન સાધ્વી બની ગયાં હતાં, જેઓ પાછળથી સરસ્વતીજીના નામે ઓળખાતાં હતાં. બાબુભાઈએ પ્રાથમિક શિક્ષણ સાયલામાં લાલજી મહારાજને ત્યાં લીધું હતું. તેઓ દસમી કક્ષા સુધી ભણ્યા હતા. ૯ વર્ષની વયથી તેઓ ગણેશ નાટક મંડળીમાં જોડાયા હતા અને નાટકોમાં ભાગ લેતા. તેમનો કંઠ બુલંદ હતો. લોકસંગીતના તેમના ડાયરામાં ભીડ જામતી. લોકો તેમના અવાજ ને સંગીત ઉપર વારી જતા. ભારત ઉપરાંત દેશ-વિદેશમાં તેમના કાર્યક્રમો યોજાતા હતા. ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ના ઉપક્રમે તેમણે ૧૯૮૫માં પૅરિસના એફિલ ટાવર ઉપરથી ‘આપણા મલકના માયાળુ માનવી’ ગીત ગાયું હતું. મૉસ્કોમાં ૧૯૮૭ના ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ની શરૂઆત બાબુભાઈ રાણપરાના ગીતથી કરવામાં આવી હતી. ૧૯૯૦માં ‘સ્પિરિટ ઑવ્ અર્થ’ કાર્યક્રમમાં તેમને ગાવા માટે બ્રિટિશ સરકારે આમંત્રણ આપ્યું હતું. એટલાન્ટિક કૉલેજ દ્વારા તેમને યુરોપિયન લેખકોની કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ હતું. ગુજરાતી કવિ અને કલાકારો દ્વારા તેમને ૧૯૯૩માં કાર્યક્રમ આપવા બોલાવવામાં આવ્યા હતા. ૧૯૯૭માં તેઓ સાઉદી અરેબિયા અને બહેરીન પણ ગયા હતા. હિન્દી ફિલ્મ ‘મિર્ચ મસાલા’ના તેઓ લેખક, સંગીતકાર, ગાયક, અભિનેતા અને નૃત્ય-દિગ્દર્શક હતા. તે ઉપરાંત હિન્દી ફિલ્મ ‘રિહાઈ’ના તેઓ ગીતકાર હતા. ગુજરાતી ફિલ્મ ‘દેવલ દેવરો’નાં ગીતો પણ તેમણે લખ્યાં હતાં. ફિલ્મ ‘સરદાર’માં તેમણે અભિનય ઉપરાંત ગીત પણ ગાયું હતું. બીજી ગુજરાતી ફિલ્મો જેવી કે ‘હું હુંશી ને હુંશીલાલ’, ‘લાલ લીલી ચૂંદડી’, ‘બનારસ’, ‘ગુજરાતનાં લોકવાદ્યો’ સાથે પણ જોડાયેલા હતા. ગ્રામોફોન ઝી ટીવી શોમાં તેઓ નૃત્ય-નિર્દેશક અને ગાયક પણ રહી ચૂક્યા હતા. ૧૯૯૮માં ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર, ૨૦૦૫માં શ્રી મોરારિબાપુ દ્વારા ‘કવિ દુલાભાયા કાગ’ પુરસ્કાર તથા ૨૦૦૬માં અકાદમી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમલા પરીખ