જ. ૫ એપ્રિલ, ૧૯૦૮ અ. ૬ જુલાઈ, ૧૯૮૬

બાબુજી તરીકે જાણીતા જગજીવનરામ સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી હતા. જેમણે ૩૦ વર્ષથી વધુ સમય માટે વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. ૧૯૨૭માં તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જોડાયા હતા જ્યાં તેમને બિરલા શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. ૧૯૩૧માં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી અને મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ અસ્પૃશ્યતા વિરોધી ચળવળમાં પણ ભાગ લીધો હતો. બાબુ જગજીવનરામે ૧૯૩૫માં અસ્પૃશ્યો માટે સમાનતા પ્રાપ્ત કરવાના હેતુસર સમર્પિત સંગઠન ઑલ ઇન્ડિયા ડિપ્રેસ્ડ ક્લાસીસ લીગની સ્થાપના કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા બાદ ‘સત્યાગ્રહ’ અને ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રિય ભાગીદારી બદલ બે વાર જેલવાસ પણ ભોગવ્યો હતો. આઝાદી પ્રાપ્ત થયા બાદ જવાહરલાલ નહેરુની કામચલાઉ સરકારમાં અને ત્યારબાદ પ્રથમ ભારતીય મંત્રીમંડળમાં શ્રમમંત્રી તરીકે યુવાવયે હોદ્દો ગ્રહણ કર્યો હતો. તેઓ ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર બંધારણ સભાના પણ સભ્ય હતા. ઇન્દિરા ગાંધીની સરકારમાં ૧૯૬૬થી ૧૯૭૦ સુધીનો તેમનો કાર્યકાળ હરિયાળી ક્રાંતિનું સફળતાપૂર્વક નેતૃત્વ કરવા માટે યાદગાર રહ્યો છે. તેમણે સપ્ટેમ્બર, ૧૯૭૬થી એપ્રિલ, ૧૯૮૩ સુધી ભારત સ્કાઉટ્સ ઍન્ડ ગાઇડ્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી. મોરારજીભાઈ દેસાઈની સરકાર વખતે તેમણે ૨૪ જાન્યુઆરી, ૧૯૭૯થી ૨૮ જુલાઈ, ૧૯૭૯ સુધી ભારતના નાયબ વડાપ્રધાન તરીકેનો હોદ્દો પણ સંભાળ્યો હતો. ૧૯૫૨માં પહેલી ચૂંટણીથી ૧૯૮૬માં તેમના મૃત્યુ સુધી પાંત્રીસ વર્ષથી વધુ સમય સુધી બાબુ જગજીવનરામ સંસદસભ્ય તરીકે રહ્યા તે એક વિશ્વરેકૉર્ડ છે. તેમના અગ્નિસંસ્કાર સ્થળને ‘સમતા સ્થળ’ નામના સ્મારકમાં ફેરવવામાં આવ્યું છે. તેમની જન્મજયંતીને એટલે કે પાંચ એપ્રિલને સમતા દિવસ કે સમાનતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દિલ્હીમાં ‘બાબુ જગજીવનરામ રાષ્ટ્રીય ફાઉન્ડેશન અને મુંબઈમાં ‘જગજીવનરામ હૉસ્પિટલ’ તેમની લોકપ્રિયતાનાં દ્યોતક છે.
અશ્વિન આણદાણી