જ. ૮ ડિસેમ્બર, ૧૮૯૭ અ. ૨૯ એપ્રિલ, ૧૯૬૦
‘નવીન’ ઉપનામથી જાણીતા, ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી, પત્રકાર અને હિન્દી સાહિત્યના કવિ બાલકૃષ્ણ શર્માનો જન્મ મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના એક નાનકડા ગામ ભ્યાના ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ઘનશ્યામ શર્મા અને માતાનું નામ રાધાબાઈ હતું. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ ૧૧ વર્ષની ઉંમરે શાજાપુરની એક શાળામાં તેમનું પ્રાથમિક શિક્ષણ શરૂ કરી શક્યા હતા. ઉજ્જૈનમાં જઈને ૧૯૧૭માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. જ્યાં તેમને પ્રખ્યાત કવિ માખનલાલ ચતુર્વેદીને મળવાની તક પ્રાપ્ત થઈ હતી. ત્યાંથી ઉચ્ચ અભ્યાસ કરવા ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજ, કાનપુર ગયા અને ૧૯૨૧માં કૉલેજનો અભ્યાસ છોડીને રાજકારણમાં અને આઝાદીની ચળવળમાં જોડાયા હતા. બાલકૃષ્ણ શર્માએ ૧૯૨૧થી ૧૯૪૪ વચ્ચે છ વખત જેલવાસ ભોગવ્યો હતો. બ્રિટિશ સરકારે તેમને ખતરનાક કેદી તરીકે જાહેર કર્યા હતા. ૧૯૩૧માં તેઓ હિન્દી દૈનિક ‘પ્રતાપ’ સાથે જોડાયા અને પત્રકાર તરીકે પણ તેમની સેવા પ્રશંસાપાત્ર બની હતી. ૧૯૫૧-૫૨માં તેઓ પ્રથમ લોકસભામાં તથા ૧૯૫૭માં તેઓ રાજ્યસભામાં પણ ચૂંટાયા હતા. રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ ખૂબ જ સક્રિય હતા અને તેમની વક્તૃત્વ છટાને લીધે તેઓ કાનપુરના સિંહ તરીકે ઓળખાતા હતા. બાલકૃષ્ણ શર્માએ કૉલેજના દિવસોથી જ ‘નવીન’ ઉપનામ સાથે ઘણી કવિતાઓ લખેલી જેમાં દેશપ્રેમ ભરપૂર રીતે જોવા મળતો હતો. તેમણે ‘કુમકુમ’, ‘રશ્મિરેખા’, ‘અપલક’, ‘ઊર્મિલા’ અને ‘વિનોબા સ્તવન’ જેવા કાવ્યસંગ્રહો પ્રકાશિત કર્યા હતા. તેમની કવિતાઓએ અટલબિહારી વાજપેયી સહિત ઘણાને પ્રભાવિત કર્યા હતા. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાને બાલકૃષ્ણ શર્મા ‘નવીન’ નામનો ઍવૉર્ડ પણ શરૂ કર્યો હતો. શાજાપુરની એક કૉલેજનું નામ ‘‘સરકારી બાલકૃષ્ણ શર્મા ‘નવીન’ પોસ્ટ ગ્રૅજ્યુએટ કૉલેજ’’ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. ૨૦૧૩માં વિષ્ણુ ત્રિપાઠીએ ‘‘બાલકૃષ્ણ શર્મા ‘નવીન’’’ નામે જીવનચરિત્ર લખ્યું છે. ૧૯૮૯માં ઇન્ડિયા પોસ્ટે તેમને સ્મારક સ્ટૅમ્પથી સન્માનિત કર્યા હતા અને ભારત સરકારે ૧૯૬૦માં ત્રીજું સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી તેમને સન્માનિત કર્યા હતા.
અશ્વિન આણદાણી