જ. ૧૦ જાન્યુઆરી, ૧૯૨૭ અ. ૪ જૂન, ૨૦૨૦
સમાંતર સિનેમાને સફળ બનાવીને વ્યાવસાયિક પ્રતિષ્ઠા અપાવનાર ગણનાપાત્ર સર્જકોમાં બાસુ ચેટરજીનો સમાવેશ કરવામાં આવે છે. તેમનો જન્મ અજમેર, રાજસ્થાનમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મનાર બાસુ ચેટરજીની ફિલ્મો પણ મધ્યમવર્ગીય પરિવારની કથા, તેમની મુસીબતો, નાની નાની મહેચ્છાઓને વર્ણવે છે. ફિલ્મસર્જક બન્યા તે પહેલાં ૧૮ વર્ષ સુધી તેમણે લોકપ્રિય અંગ્રેજી સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’માં કાર્ટૂનિસ્ટ તરીકે કામગીરી બજાવી હતી. ઇટાલિયન ચિત્ર ‘બાઇસિકલ થીફ’ તથા સત્યજિત રેના ‘પથેર પાંચાલી’ના પ્રભાવ હેઠળ તેમણે ફિલ્મ-સર્જનમાં ઝંપલાવ્યું. તેમણે રાજ કપૂર અને વહિદા રહેમાન અભિનીત ફિલ્મ ‘તીસરી કસમ’માં બાસુ ભટ્ટાચાર્યના સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. નિર્દેશક તરીકે ફિલ્મ ‘સારા આકાશ’ સાથે તેમણે કારકિર્દી શરૂ કરી. ‘સારા આકાશ’ ફિલ્મનિર્માતાઓ તથા અનેક ચિત્રસંસ્થાઓને બાસુદા તરફ આકર્ષી ગયું. આ ચિત્રને ફિલ્મફેર ‘બેસ્ટ સ્ક્રીન પ્લે’ પુરસ્કાર પણ મળ્યો હતો. આ પછી બાસુદાએ સંખ્યાબંધ ચલચિત્રો બનાવ્યાં. તેમનાં ચલચિત્રોમાંની હળવાશ, રમૂજ કે મનોરંજક શૈલીએ કહેવાયેલી વાત પ્રેક્ષકોને ખૂબ ગમી ગઈ, જેમાંથી દેશભરમાં તેમના કરોડો પ્રશંસકો થયા. બાસુદાનાં સવિશેષ ઉલ્લેખનીય ચલચિત્રોમાં ‘સારા આકાશ’ ઉપરાંત ‘પિયા કા ઘર’, ‘રજનીગંધા’, ‘છોટી સી બાત’, ‘ચિત્તચોર’, ‘સ્વામી’, ‘સફેદ જૂઠ’, ‘ખટ્ટામીઠા’, ‘ચક્રવ્યૂહ, ‘બાતો બાતો મેં, ‘પસંદ અપની અપની’, ‘અપને પરાયે’, ‘મનપસંદ’, ‘શૌકીન’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે સર્જેલી ટેલિફિલ્મ ‘ઇક રુકા હુઆ ફૈંસલાથી સારી એવી ચર્ચા જાગી હતી. તેમણે દૂરદર્શન માટે સર્જેલી કથાશ્રેણીમાં ‘રજની’, ‘દર્પણ’ તથા ‘વ્યોમકેશ બક્ષી’ ખૂબ જ સફળ અને લોકપ્રિય નીવડી હતી. તેમણે ઘણી બધી બંગાળી ફિલ્મો પણ દિગ્દર્શિત કરી હતી. તેમને મળેલા પુરસ્કારોમાં બેસ્ટ સ્ક્રીન પ્લે ઍવૉર્ડ ‘સારા આકાશ’ (૧૯૭૨), ‘છોટી સી બાત’ (૧૯૭૬), ‘કમલા કી મોત’ (૧૯૯૧), ફિલ્મ ફેર ક્રિટીક ઍવૉર્ડ ‘રજનીગંધા’ (૧૯૭૫), ફિલ્મફેર બેસ્ટ દિગ્દર્શક ઍવૉર્ડ ‘સ્વામી’, ૨૦૦૭ IIFA લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડનો સમાવેશ થાય છે.
અમલા પરીખ