બિસ્મિલ્લાખાં


જ. ૨૧ માર્ચ, ૧૯૧૬ અ. ૨૧ ઑગસ્ટ, ૨૦૦૬

વિશ્વવિખ્યાત શરણાઈવાદક બિસ્મિલ્લાખાંનો જન્મ ડુમરાંવ, બિહારમાં પયગંબરબક્ષખાં અને મિઠ્ઠનબાઈને ત્યાં થયો હતો. જન્મ વખતનું તેમનું નામ કમરૂદ્દીન હતું. તેમના દાદા રસૂલબક્ષખાંએ નવજાત બાળકને જોઈ ‘બિસ્મિલ્લાહ’ એવો ઉદગાર કાઢ્યો અને ત્યારથી તેઓ બિસ્મિલ્લાખાં તરીકે ઓળખાવા માંડ્યા. તેમના દાદા રસૂલબક્ષ તથા પરદાદા ભોજપુર દરબારમાં શરણાઈવાદક હતા. પિતા ઉસ્તાદ પયગંબરબક્ષ પણ સારા સંગીતકાર હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની તાલીમ છ વર્ષની ઉંમરથી તેમના મામા ઉસ્તાદ અલીબક્ષ પાસેથી લેવાની શરૂઆત કરી હતી. અલીબક્ષ વારાણસીના કાશીવિશ્વનાથ મંદિરમાં શરણાઈ વગાડતા હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની સાથે સાથે એહમદહુસેનખાં પાસેથી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની અને હાર્મોનિયમની તાલીમ લક્ષ્મણપ્રસાદ તથા ગ્વાલિયરના ગણપતરાવ ભૈયા પાસેથી મેળવી. મામાની સાથે નાની ઉંમરથી જ અનેક સંગીતસંમેલનમાં હાજર રહેવાની તેમને તક મળી. સખત રિયાઝને પરિણામે આશરે ૧૬ વર્ષની નાની વયે તો તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં કુશળ કલાકાર તરીકે ઓળખાવા લાગ્યા. પ્રયાગ સંગીત વિદ્યાલયના સંગીતસમારોહમાં શરણાઈ વગાડવા માટે તેમને સુવર્ણચંદ્રક મળ્યો અને ત્યારથી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળતી ગઈ અને તેઓ ઉસ્તાદ બિસ્મિલ્લાખાં તરીકે જાણીતા થયા. ૧૯૪૭, ૧૫મી ઑગસ્ટે જ્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા ઉપરથી ફરકાવવામાં આવ્યો ત્યારે શરણાઈના સૂર રેલાવા બિસ્મિલ્લાખાંને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ૧૯૫૬માં શરણાઈવાદન માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવેલા. તેમણે અમેરિકા, સોવિયેત સંઘ, સાઉદી અરેબિયા તથા ઇરાક જેવા દેશોની યાત્રા કરી હતી અને અપૂર્વ ચાહના મેળવી હતી. આકાશવાણી ઉપરથી પણ તેમના અનેક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવ્યા છે. તેમને મળેલા પુરસ્કારોમાં ‘સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ’ (૧૯૫૬), ‘પદ્મશ્રી’ (૧૯૬૧), ‘પદ્મભૂષણ’ (૧૯૬૮), ‘પદ્મવિભૂષણ’ (૧૯૮૦) અને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’(૨૦૦૧)નો સમાવેશ થાય છે. તેમના મૃત્યુના દિવસે ભારત સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.

અમલા પરીખ