બીજુ પટનાયક


જ. ૫ માર્ચ, ૧૯૧૬ અ. ૧૭ એપ્રિલ, ૧૯૯૭

કુશળ રાજનીતિજ્ઞ અને ઓડિશાના મુખ્યમંત્રી તરીકે બે વાર સ્થાન શોભાવનાર બીજુ પટનાયકનો જન્મ ગંજામના ભંજનગરના એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ લક્ષ્મીનારાયણ અને માતાનું નામ આશાલતા પટનાયક હતું. તેમના પિતા પરલાખેમુન્ડી એસ્ટેટના દીવાન હતા. તેમણે કટકની રેવેનશૉ કૉલેજમાં પ્રવેશ લીધો હતો પરંતુ ઉડ્ડયનમાં વિશેષ રુચિ હોવાને લીધે તેમણે નોકરી છોડીને પાઇલટ તરીકે તાલીમ લીધી હતી. રૉયલ ઇન્ડિયન ઍરફોર્સમાં જોડાયા બાદ તેઓ હવાઈ પરિવહન કમાન્ડરના વડા બન્યા હતા. આ સેવા દરમિયાન તેમને રાષ્ટ્રવાદી રાજકારણમાં રસ પડ્યો હતો. બર્મામાં બ્રિટિશ કમાન્ડ હેઠળ લડતા ભારતીય સૈનિકોને રાજકીય પત્રિકાઓ ફેંકવા અને ભારતનાં વિવિધ સ્થળોએથી કૉંગ્રેસ પાર્ટીના નેતાઓને ગુપ્ત બેઠકોમાં લઈ જવા બદલ બ્રિટિશ સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. બીજુ પટનાયક ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેતી વખતે જવાહરલાલ નહેરુને મળ્યા હતા અને તેમના વિશ્વાસુ મિત્રોમાંના એક બન્યા હતા. ૪૫ વર્ષની વયે તેઓ ૨૩ જૂન, ૧૯૬૧ના રોજ ઓડિશાના મુખ્યમંત્રી બન્યા હતા. ૧૯૬૭માં કૉંગ્રેસ પાર્ટીની કમાન સંભાળનાર ઇન્દિરા ગાંધીના નજીકના લોકોમાં બીજુ પટનાયક હતા. જયપ્રકાશ નારાયણ તેમના જૂના મિત્ર હોવાથી ૧૯૭૪માં તેમણે જેપી ચળવળમાં પણ ઝંપલાવ્યું હતું. ૧૯૭૭માં તેઓ કેન્દ્રપાડાથી લોકસભામાં ચૂંટાયા બાદ ૧૯૭૯ સુધી મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણિંસહ બંને સરકારોમાં સ્ટીલ અને ખાણમંત્રીપદે રહ્યા હતા. વી. પી. સિંહને વડાપ્રધાનપદ સુધી પહોંચાડવામાં પડદા પાછળની ભૂમિકા ભજવ્યા બાદ ૧૯૯૦થી ૧૯૯૫ સુધી તેઓ બીજી વખત ઓડિશાના મુખ્યમંત્રી બન્યા હતા. તેમના નાના પુત્ર નવીન પટનાયક જૂન ૨૦૨૪ સુધી ઓડિશાના મુખ્યમંત્રી હતા. બીજુ પટનાયકની કાયમી સ્મૃતિ રહે તે માટે ભુવનેશ્વર ખાતે બીજુ પટનાયક ઍરપૉર્ટ, બીજુ પટનાયક યુનિવર્સિટી ઑફ ટૅકનૉલૉજી અને બીજુ પટનાયક સ્ટેડિયમ વગેરેનો સમાવેશ થાય છે. તેમના જન્મદિવસ પાંચ માર્ચને પંચાયતીરાજ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

અશ્વિન આણદાણી