ભનુભાઈ ર. વ્યાસ ‘સ્વપ્નસ્થ’


જ. ૧૩ નવેમ્બર, ૧૯૧૩ અ. ૨૩ ઑક્ટોબર, ૧૯૭૦

કવિ, વાર્તાકાર ભનુભાઈનું બીજું નામ લક્ષ્મીનારાયણ હતું અને ‘મોહન શુક્લ’ તેમનું બીજું ઉપનામ હતું. રાજકોટમાં જન્મેલા આ કવિનું વતન જામનગર હતું. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધેલું. મૅટ્રિક સુધીનો અભ્યાસ કરેલો. ૧૯૩૩થી ૧૯૪૪ સુધી મુંબઈમાં ઝંડુ ફાર્માસ્યૂટિકલ વર્ક્સમાં કામ કરેલું. પછી થોડો સમય ‘વંદેમાતરમ્’ અને ‘સંસ્કાર’ સામયિકોમાં કામ કર્યું. ક્ષયની બીમારીને કારણે જામનગરમાં જઈ કેટલોક સમય આરામ કર્યા બાદ ૧૯૪૮માં પાછા મુંબઈ ગયા અને ત્યાં ‘આસોપાલવ’, ‘નૂતન ગુજરાત’ અને ‘હિંદુસ્તાન પત્રો’માં કાર્ય કર્યું. ૧૯૫૦થી યુ.એસ.એસ.આર.ના પબ્લિસિટી વિભાગ, દિલ્હીમાં ગુજરાતી ભાષાંતરકાર તરીકે કામ કર્યું. ૧૯૩૬માં કવિ કાન્તનાં પુત્રી ડોલર સાથે લગ્ન થયું. ગાંધીયુગીન કવિતાનો થોડોક પ્રભાવ ઝીલવા છતાં ગાંધીવિચારસરણી કરતાં સામ્યવાદી વિચારસરણી તરફ આસ્થાવાળા આ કવિમાં પ્રગતિશીલ સર્જકોનો મિજાજ વિશેષ છે. તેમની પાસેથી કેટલાંક દીર્ઘ કાવ્યો મળ્યાં છે. સૉનેટ, ગીત અને છંદોબદ્ધ કાવ્યોના ‘અજંપાની માધુરી’ સંગ્રહમાં વાસ્તવિકતા અને પ્રકૃતિનાં કાવ્યો વિશેષ જોવા મળે છે. ‘રાવણહથ્થો’ની રચનાઓમાં સમાજમાં પ્રવર્તતાં શોષણ, ગરીબાઈ અને ગુલામી જોઈને અજંપો અનુભવતા કવિનો રોષ અને વેદના વ્યક્ત થયાં છે. ‘લાલ સૂર્ય’ એ કવિની સામ્યવાદી વિચારધારા પરની આસ્થાને વ્યક્ત કરતો કાવ્યસંગ્રહ છે. ‘ચિરવિરહ’ (૧૯૭૩) એ એમનો મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ છે.

‘દિનરાત’ અને ‘ધૂણીનાં પાન’ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. વસ્તુ તરફ જોવાનો કવિનો વાસ્તવવાદૃી અભિગમ અને ઝીણું રેખાંકન આ વાર્તાઓની વિશેષતા છે. ‘જાહનવી’ એ નવલકથા અને ‘શોધ’ એ ‘મોહન શુક્લ’ના નામે લખાયેલી લઘુનવલ છે. આ ઉપરાંત તેમની પાસેથી કેટલુંક અનુવાદ સાહિત્ય પણ મળ્યું છે. તો એમણે અન્ય સાથે મળી કેટલુંક સંપાદનકાર્ય પણ કર્યું છે. ‘યુગપુરુષ ગાંધી’, ‘પૂનમનાં પોયણાં’, ‘પલટાતો જમાનો’ એ એમના અનૂદિત ગ્રંથો છે. તેઓ સોવિયેત પ્રચાર વિભાગમાં ગુજરાતી ભાષાંતરકાર તરીકે રહ્યા હોવાથી ભાષાંતર પર એમની હથોટી સારી હતી.

શ્રદ્ધા ત્રિવેદી