મણિરામ દત્તા બરુઆ


જ. ૧૭ એપ્રિલ, ૧૮૦૬ અ. ૨૬ ફેબ્રુઆરી, ૧૮૫૮

આસામમાં ચાના બગીચા સ્થાપનારા પ્રથમ લોકોમાંના એક મણિરામ દત્તાનો જન્મ આસામના ઉમરાવ પરિવારમાં થયો હતો. તેમના પૈતૃક પૂર્વજો અહોમ કોર્ટમાં ઉચ્ચ હોદ્દા પર હતા. તેઓ મણિરામ ‘દીવાન’ તરીકે પણ જાણીતા હતા. ઉચ્ચ આસામના લોકોમાં તેઓ ‘કલિતા રાજા’ (કલિતા જાતિના રાજા) તરીકે જાણીતા હતા. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેઓ ઉત્તર-પૂર્વ ભારતના ગવર્નર જનરલના એજન્ટ ડેવિડ સ્કોટ હેઠળ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટમાં વફાદાર સહયોગી બન્યા હતા. ૧૮૨૮માં ૨૨ વર્ષીય મણિરામને સ્કોટના નાયબ કેપ્ટન જોન બ્રાયન ન્યુફવિલે હેઠળ રંગપુરના તહસીલદાર અને શેરીસ્તાદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાછળથી ૧૮૩૩-૩૮ દરમિયાન આસામના નામાંકિત શાસક પુરંદરિંસઘ દ્વારા મણિરામને બોરભંડાર (વડાપ્રધાન) બનાવવામાં આવ્યા હતા. મણિરામે અંગ્રેજોને સિંગફો લોકો દ્વારા ઉગાડવામાં આવતી આસામની ચા વિશે માહિતી આપી હતી, જે અત્યાર સુધીના બાકીના વિશ્વ માટે અજાણ હતી. ૧૮૩૩માં ચાઇનીઝ ચાના વેપાર પરનો એકાધિકાર સમાપ્ત થયા પછી  ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ચાનાં મોટાં વાવેતરો સ્થાપવાનું નક્કી કર્યું, જેમાં ચાની ખેતી માટે યોગ્ય સ્થાન માટે આસામનું નામ સૂચવવામાં આવ્યું. પુરંદરિંસઘના પ્રતિનિધિ તરીકે મણિરામ ડૉ. વાલિચને મળ્યા અને ચાની ખેતી માટે પ્રદેશની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો. ૧૮૩૯માં મણિરામ નાઝીરા ખાતે આસામ ટી. કંપનીમાં દીવાન બન્યા. દર મહિને ૨૦૦ રૂ.નો પગાર મેળવતા હતા. ૧૮૪૦માં અધિકારીઓ સાથેના મતભેદોને કારણે તેમણે નોકરી છોડી દીધી. આટલા સમયમાં મણિરામે ચાની ખેતીની કુશળતા મેળવી લીધી હતી. તેમણે જોરહાટમાં સિન્નામારા ખાતે પોતાનો ચાનો બગીચો બનાવ્યો. આમ આસામમાં વ્યાપક રીતે ચા ઉગાડનાર પ્રથમ ભારતીય ચા પ્લાન્ટર બન્યા. ચા ઉપરાંત મણિરામે આયર્ન સ્મેલ્ટિંગ, સોનાની પ્રાપ્તિ અને મીઠાના ઉત્પાદનમાં પણ સાહસ કર્યું. તેમની અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં હૅન્ડલૂમ, બોટ મેકિંગ, હોઝિયરી, કટલરી, ડાઇંગ, હાથીદાંતનું કામ, સિરામિક, કૃષિ ઉત્પાદનો, હાથીનો વેપાર વગેરેનો સમાવેશ થાય છે. ૧૮૫૭ના બળવા દરમિયાન અંગ્રેજો વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ તેમને ફાંસી આપવામાં આવી હતી. ગુવાહાટીનું મણિરામ દીવાન ટ્રેડ સેન્ટર અને દિબ્રુગઢ યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલને મણિરામ દીવાન બૉય્ઝ હૉસ્ટેલ નામ આપવામાં આવ્યું છે.