આધુનિક માનવી એની અતિ વ્યસ્તતાને કારણે એ ભૂલી ગયો છે કે એના જીવનમાં નિદ્રાનું પણ કોઈ સ્થાન છે. અતિ પ્રવૃત્તિશીલ માનવી પલંગ પર સૂએ છે ખરો, પરંતુ એ દરમિયાન એના મનમાં દિવસભરની પ્રવૃત્તિઓનું અનુસંધાન સતત ચાલુ હોય છે. એનું માથું ઓશીકા પર ટેકવ્યું હોય છે, પરંતુ એ મસ્તિષ્કમાં આવેલું મન તો બજારની વધઘટમાં ડૂબેલું હોય છે. એના શરીરને આરામ નથી, કારણ કે હજી દુકાનનો હિસાબ અધૂરો છે. એના હૃદયમાં લોહીના પરિભ્રમણની સાથોસાથ કેટલીય અધૂરી યોજનાઓનું પરિભ્રમણ ચાલતું હોય છે.
એના મનની ચંચળતા જેવી દિવસે હતી, એવી જ પલંગ પર સૂતી વખતે હોય છે અને એની સક્રિયતામાં લેશમાત્ર પરિવર્તન થતું નથી. માત્ર પરિસ્થિતિમાં પરિવર્તન હોય છે, પહેલાં એ પોતાની ઑફિસમાં હતો અને અત્યારે પોતાના ઘરના પલંગ પર છે. બાકી બધું એમનું એમ છે અને તેથી જ આ માનવીને ઊંઘ મેળવવા માટે દવાનો આશરો લેવો પડે છે.
વૃક્ષ નિરાંતે આરામ કરે છે, પશુપક્ષીને ક્યારેય અનિદ્રાનો રોગ લાગુ પડ્યો નથી. ગરીબ માનવીને અનિદ્રા કનડી શકતી નથી, પરંતુ અતિ પ્રવૃત્તિશીલ એવા ધનિક માનવીને નિદ્રા માટે તરફડિયાં મારવાં પડે છે. હકીકતમાં એનું મન તરફડિયાં મારતું હોય છે અને તેથી જ નિદ્રા એનાથી કેટલાય ગાઉ દૂર ચાલી ગઈ હોય છે.
માનવી શયન કરે એટલે નિદ્રા ન આવે. એનું મન શયન કરે, ત્યારે નિદ્રા આવે. જાગતું-દોડતું મન સૂતેલા માણસને જાગતો-દોડતો રાખે છે. થાકેલા શરીરનો, શોકગ્રસ્ત મનનો અને વ્યસ્ત જીવનનો કોઈ વિસામો હોય તો તે નિદ્રા છે.
કુમારપાળ દેસાઈ