જ. ૩૧ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૨ સપ્ટેમ્બર, ૧૯૯૨
મૃત્યુંજય સ્વરયોગી અને સશ્રદ્ધ ગાનપરંપરામાંના ‘તાર ષડજ’ તરીકે ઓળખાતા હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક. ધારવાડના એક નાના ગામમાં પિતા ભીમરાયપ્પા અને માતા નીલમ્માને ત્યાં જન્મેલ મલ્લિકાર્જુન પોતાના વતન મનસૂરને કારણે ગામના નામથી જ ઓળખાતા હતા. કન્નડ ભાષા-સાહિત્યના જ્ઞાતા હોવા છતાં તેમને હિંદુસ્તાની સંગીત તરફ આકર્ષણ થતાં પ્રસિદ્ધ ગુરુ નીલકંઠબુવા અલૂરમઠ પાસેથી ગ્વાલિયર ઘરાનાની ગાયકીને આત્મસાત્ કરી અને પોતાની ગાયકીથી સંગીતશ્રોતાઓને સંમોહિત પણ કરતા હતા. પછીથી તેમણે હિંદુસ્તાની સંગીતના જયપુર ઘરાનાના પ્રખ્યાત ગાયક ઉસ્તાદ મંજીખા પાસેથી તાલીમ લેવાનું શરૂ કર્યું. ગુરુ-શિષ્યનો આ ઉત્કટ પ્રેમભર્યો સંબંધ જવલ્લે જ જોવા મળે એવો રહ્યો. અત્રૌલી-જયપુર તથા ગ્વાલિયર બંને ઘરાનાની ગાયકીનો સમન્વય મલ્લિકાર્જુનના ગાયનમાં થયો. તેઓ કઠિન રાગોને પણ સહજતાથી રજૂ કરતા અને શ્રોતાઓ આશ્ચર્યમુગ્ધ બની જાય તેવી તાનો તેઓના કંઠેથી સાંભળવા મળતી. ખયાલ ગાયક હોવા છતાં તેઓ ઠૂમરી, નાટ્યસંગીત, ભજન, કવન વગેરેના પણ જાણકાર હતા. એમની માતૃભાષા કન્નડની ‘વચન અને રગડે’ પ્રકારની ગદ્ય-પદ્ય સાહિત્યના મિશ્રણવાળી શૈલીને શુદ્ધ સંગીત શૈલીમાં ઢાળીને તેને લોકપ્રિય બનાવવાનું બહુમૂલ્ય કામ પણ તેમણે કર્યું હતું. કેટલોક સમય ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ કંપનીમાં મ્યુઝિક ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી હતી. બિહાગ, તોડી, કાનડા અને મલ્હાર તેમના પ્રિય રાગો હતા. તેમને ‘સંગીતરત્ન’, ‘ગંધર્વરત્ન’, કાલિદાસ સન્માન જેવી માનભરી પદવીઓ ઉપરાંત ભારત સરકાર દ્વારા સંગીતક્ષેત્રે કરેલી ઉપકારક સેવાના ફલસ્વરૂપે ૧૯૭૦માં ‘પદ્મશ્રી’, ૧૯૭૬માં ‘પદ્મભૂષણ’ અને ૧૯૯૨માં ‘પદ્મવિભૂષણ’ જેવા માનખિતાબોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તરફથી તેમના નામની ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ખયાલ ગાયકીના એક ઉત્કૃષ્ટ ગાયક તરીકે સંગીતપ્રેમીઓમાં તેઓ હંમેશાં યાદ રહેશે.
પ્રીતિ ચોકસી