મહાદેવ ગોવિંદ રાનડે


જ. ૧૮ જાન્યુઆરી, ૧૮૪૨ અ. ૧૭ જાન્યુઆરી, ૧૯૦૧

ખ્યાતનામ ધારાશાસ્ત્રી, આઝાદી માટેના આંદોલનના અગ્રણી મેવાળ નેતા અને સમાજસુધારક તરીકે જાણીતા મહાદેવ રાનડેના પિતા કોલ્હાપુર રિયાસના મંત્રી હતા. તેમની માતાનું નામ ગોપિકાબાઈ હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ નાશિકની ઍંગ્લોવર્નાક્યુલર શાળામાંથી પ્રાપ્ત કર્યું હતું. મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તેઓ ૧૮૬૨માં સ્નાતક થયા હતા. ૧૮૬૪માં અનુસ્નાતક અને ૧૮૬૫માં તેમણે કાયદાશાસ્ત્રીની પદવી પણ હાંસલ કરી હતી. ૧૮૬૮માં તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા અને ઇતિહાસ, ભૂગોળ, અંગ્રેજી, ગણિત, તર્કશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર – એમ વિવિધ વિષયોનું અધ્યાપન કર્યું હતું. મહાદેવ રાનડે ૧૮૭૧માં બ્રિટિશ સરકારની જ્યુડિશિયલ સર્વિસમાં જોડાયા હતા અને ૧૮૭૩માં તેમને પ્રથમ વર્ગના ન્યાયાધીશ તરીકે બઢતી પણ મળી હતી. ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના થતાં તેમાં પણ તેઓ સભ્ય તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેઓ ૧૮૮૬માં ફાઇનાન્સ કમિશનના  સભ્યપદે અને ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરના પદ પર પણ નિમાયા હતા. ૧૮૯૩માં બઢતી પામી તેઓ મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયા તે ઘટના જ સ્વયં બહુમાનરૂપ ગણાય તેવી સ્થિતિ હતી. ૧૮૯૬માં પુણે ખાતે ડેક્કન સભાની સ્થાપના કરવામાં પણ તેઓ અગ્રેસર હતા. ત્યારબાદ મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા હતી. જ્યાં તેમણે સમાજસુધારાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. મહાદેવ રાનડે એકેશ્વરવાદી હોવાની સાથે વ્યાયામપ્રવૃત્તિને પણ ખૂબ જ મહત્ત્વ આપતા હતા. ૧૮૬૪થી ૧૮૭૧ દરમિયાન મુંબઈથી પ્રકાશિત થતા આંગ્લ-મરાઠી દૈનિક ‘ઇન્દુપ્રકાશ’ના અંગ્રેજી કૉલમના પણ તેઓ સંપાદક હતા. ‘સાર્વજનિક સભા રિપોર્ટ ઑન મટીરિયલ કન્ડિશન ઇન મહારાષ્ટ્ર’ (૧૮૭૨), ‘રેવન્યૂ મૅન્યુઅલ ઑફ ધ બ્રિટિશ એમ્પાયર ઇન ઇન્ડિયા’ (૧૮૭૭) અને ‘એસેઝ ઇન ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ (૧૮૭૯) તેમના અર્થતંત્રને આવરી લેતા નોંધપાત્ર ગ્રંથો છે.

અશ્વિન આણદાણી