જ. ૪ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૨૮ ઑગસ્ટ, ૨૦૧૫
ગુજરાતના જાણીતા શિલ્પકાર મહેન્દ્ર પંડ્યાનો જન્મ ભરૂચ જિલ્લાના રાજપીપળામાં થયો હતો. પિતાનું નામ ધીરજરામ તલાટી હતું. તેમનો ઉછેર કુદરતના સાન્નિધ્યમાં થયો હતો. શિલ્પ સાથે લગાવ હોવાથી મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં શિલ્પવિભાગમાં જોડાયા. ૧૯૫૫માં સ્નાતક અને ૧૯૫૮માં અનુસ્નાતક થયા. અહીં શંખો ચૌધરી અને પ્રદોષ દાસગુપ્તા તેમના શિક્ષક હતા, તેમના માર્ગદર્શન હેઠળ તેમની કળાકારીગરી ઔર ખીલી ઊઠી. અભ્યાસ પૂર્ણ થતાં તે જ યુનિવર્સિટીના શિલ્પવિભાગમાં તેઓ પ્રાધ્યાપક તરીકે જોડાઈ ગયા. કલાઅધ્યાપન સાથે તેમણે શિલ્પસર્જન પણ ચાલુ રાખ્યું. નવ સપ્તાહ યુરોપના પ્રવાસ દરમિયાન તેઓ વિખ્યાત શિલ્પકાર હેન્રી મૂરના મહેમાન બન્યા અને તેમને ત્યાં રહીને તેઓ શિલ્પકળા વિશે ઘણું બધું શીખ્યા. ૧૯૮૬માં તેઓ નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ તેમના કલાસર્જનમાં વેગ આવ્યો. ભારત સરકારની સિનિયર આર્ટિસ્ટ ફેલોશિપ તેમને મળી. ૧૯૮૯માં ભારત સરકારના માનવસંસાધન મંત્રાલય તરફથી તેમની કલાસૂઝ અને શિલ્પસર્જનને બિરદાવતી ‘આઉટસ્ટૅન્ડિંગ આર્ટિસ્ટ ફેલોશિપ’ મળી. દેશવિદેશમાં તેમનાં અનેક વ્યક્તિગત પ્રદર્શનો યોજાયાં. ભારતમાં આધુનિક શિલ્પોને સ્થાન અપાવવામાં મહેન્દ્ર પંડ્યાનો મહત્ત્વનો ફાળો રહેલો છે.
પથ્થર અને લાકડામાંથી બનાવેલાં તેમનાં શિલ્પોમાં વિવિધ પ્રકારની સપાટીઓ જોવા મળે છે. જેમ કે, ખરબચડી, પ્રતિબિંબ જોઈ શકાય તેવી સ્નિગ્ધ-સુંવાળી, આડાઊભા ઘસરકા મારીને રચેલી જાળી જેવી ભાતવાળી. તેઓ પથ્થર અને કાષ્ઠ ઉપરાંત કાચ, ખીલા, પતંગ, જૂનો કાટમાળ, ફાઇબર ગ્લાસ, પ્લાસ્ટિક જેવા પદાર્થોમાંથી પણ શિલ્પકૃતિઓ બનાવતા. ઘરના દરવાજા ઉપરની કોતરણી હોય કે પછી વડોદરા નગરમાં રસ્તાઓ પર આરસ, સિરામિક ટાઇલ્સ અને સિમેન્ટ વડે સર્જેલા ફુવારાઓ હોય. મહેન્દ્ર પંડ્યાની કલાકારીગરી અનોખી તરી આવતી. તેમની કૃતિઓ દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, લલિતકલા અકાદમી તથા ગુજરાત રાજ્યની લલિતકલા અકાદમીના સંગ્રહોમાં સ્થાન પામી છે.
અમલા પરીખ