કોમિસરિયત ————–
જ. ૧૧ ડિસેમ્બર, ૧૮૮૧ અ. ૨૫ મે, ૧૯૭૨
ગુજરાતના ઇતિહાસ લેખનક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનાર માણેકશાનો જન્મ મુંબઈમાં પારસી કુટુંબમાં થયો હતો. ગુજરાતનો ઇતિહાસ આલેખનારા અલ્પસંખ્યક ઇતિહાસવિદોમાંના તેઓ એક હતા. તેમણે કૉલેજનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં લીધું. ૧૯૦૩માં બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને ૧૯૦૫માં એમ.એ. થયા. બી.એ.માં પ્રથમ વર્ગ મેળવ્યો હોવાથી કૉલેજમાંથી ફેલોશિપ પણ મળી. એમ.એ. થયા બાદ તરત જ ગુજરાત કૉલેજમાં ‘પ્રોફેસર ઑવ્ હિસ્ટરી ઍન્ડ પોલિટિકલ ઇકૉનૉમિક્સ’ તરીકે નીમવામાં આવ્યા. તેમણે રાજ્યશાસ્ત્ર વિષયમાં અધ્યાપન કર્યું. થોડા સમય માટે ગુજરાત કૉલેજમાં આચાર્ય તરીકે પણ સેવાઓ આપી. તેમણે પોતાની અધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન ગુજરાતના મધ્યકાલીન સમયને લગતી સંશોધન કામગીરી લગભગ ૧૯૧૮થી શરૂ કરી હતી. તેઓ ઇતિહાસ અને સંસ્કૃતિને લગતાં વિવિધ મંડળો તથા સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ ‘ઇન્ડિયન હિસ્ટોરિકલ રેકર્ડ્ઝ કમિશન’ તથા ‘બૉમ્બે હિસ્ટરી કૉંગ્રેસ’નાં અધિવેશનમાં વિભાગીય પ્રમુખ તરીકે કાર્યરત હતા. ગુજરાતના મુઘલ અને મરાઠા સમયના ઇતિહાસનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. ગુજરાતના રાજપૂત સમય પછીના મધ્યકાળના ઊંડા અભ્યાસ અને મૌલિક સંશોધનના ફળસ્વરૂપે તેમણે જે ઇતિહાસલેખન કર્યું, તેમાં મેન્ડેલ્સ્લોસ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, સ્ટડીઝ ઇન ધી હિસ્ટરી ઑફ ગુજરાત (ધ મુસ્લિમ પિરિયડ) વૉલ્યુમ-૧, (ધ મુઘલ સાહિત્ય) વૉલ્યુમ-૨, (ધ મરાઠા પિરિયડ) વૉલ્યુમ-૩ સહિત ઇતિહાસના આઠેક ગ્રંથ આપ્યા છે. આ ગ્રંથોનું પ્રકાશન પચાસના દાયકામાં થયું હતું.
માણેકશાએ તેમના ઇતિહાસલેખનમાં રાજકીય બાબતો અને ઐતિહાસિક ઘટનાઓનું ખૂબીપૂર્વક આલેખન કર્યું છે. તેમણે પોતાના અધ્યાપનના સમય દરમિયાન તથા નિવૃત્તિકાળમાં ઇતિહાસના અધિકૃત ગ્રંથો આપીને તે ક્ષેત્રે તથા ઇતિહાસ-સંશોધનક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમની વિદ્વત્તાની કદર રૂપે સરકારે ‘ખાન બહાદુર’ના ખિતાબથી તેમને સન્માન્યા હતા.
શુભ્રા દેસાઈ