માનવમાત્ર સમાન


અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકને (ઈ. સ. ૧૮૦૯થી ઈ. સ. ૧૮૬૫) અમેરિકાના આંતરવિગ્રહ દરમિયાન અદભુત સાહસ અને અપ્રતિમ હિંમત બતાવી. આ સમયે ઉત્તરના લશ્કરને ભવ્ય વિજય મળ્યો અને રણભૂમિ પર જ્યાં સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા એ રાષ્ટ્રીય કબ્રસ્તાનને સ્મારક-સ્થળ તરીકે ખુલ્લું મૂકવા માટે એક સમારંભ યોજવામાં આવ્યો. ઉત્તરના લોકોના વિજયની લાગણીને વ્યક્ત કરવા માટે એડવર્ડ એવરેટ નામના દેશના છટાદાર વક્તાને મુખ્ય વક્તવ્ય માટે નિમંત્રણ આપવામાં આવ્યું અને એમણે સતત બે કલાક સુધી પોતાની છટાદાર શૈલીમાં ભાષણ આપ્યું. એ પછી સહુએ પ્રમુખ અબ્રાહમ લિંકનને પ્રસંગોચિત બે શબ્દો કહેવા માટે વિનંતી કરી, ત્યારે લિંકને કહ્યું કે, ‘‘અમેરિકાની સ્વાધીનતાના પાયામાં ‘ઈશ્વરે મનુષ્યમાત્રને સમાન પેદા કર્યા છે,’ એ સૂત્રનું પારખું કરવા મહાન આંતરવિગ્રહ ખેલાઈ ગયો અને એમાં અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી. પરિણામે એમની આહુતિથી જ આ ભૂમિ પ્રતિષ્ઠિત થયેલી છે. એને પુનિત કરવા કે કીર્તિવંત કરવા આપણે સમર્થ નથી. આપણે તો માત્ર એમણે જે કાર્ય આગળ ધપાવ્યું, તેને પાર પાડવા માટે પ્રયત્ન કરીએ અને તેને માટે આપણી જાતનું સમર્પણ કરીએ. જેને કારણે પ્રજાની, પ્રજા મારફત ચાલતી અને પ્રજા કાજે ચાલતી સરકાર આ પૃથ્વી પરથી કદી નાશ ન પામે.’’ અબ્રાહમ લિંકનના આ બે મિનિટના વક્તવ્યને સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા અને પછી પ્રમુખ લિંકનને મુખ્ય વક્તા એડવર્ડ એવરેટે અભિનંદન આપતાં કહ્યું, ‘મેં જે બે કલાકમાં કહ્યું, એથી વિશેષ તમે બે મિનિટમાં કહ્યું.’

કુમારપાળ દેસાઈ