માનવીનાં બહાનાંમાં સર્વત્ર


ઈશ્વરનો વાસ છે ===============

‘ખુદાની મરજી’ને નામે આપણે આપણી કેટલીય અરજીઓ પસાર કરી છે. માણસને આ તરીકો બહુ પસંદ પડ્યો છે કે પોતે કશુંક ખોટું કરે અને ફળ ભોગવવાનું આવે ત્યારે એની સઘળી જવાબદારીનો અને દોષનો ટોપલો પ્રભુને માથે ઓઢાડી દે ! કાર્યકારણ જોવાને બદલે માત્ર ફલશ્રુતિને જોતો માનવી એમાં ઈશ્વરીસંકેત જુએ છે. શરાબી એમ કહેશે કે મારી તો શરાબ પીવાની લગીરે ઇચ્છા નહોતી, પરંતુ ઈશ્વરની ઇચ્છા આગળ હું લાચાર છું. કોઈ એમ પણ કહેશે કે ઈશ્વરે મને આટલાં બધાં દુઃખો  એ માટે આપ્યાં કે જેથી વ્યસનમાં મારાં એ દુ:ખોને ડુબાડી દઈ શકું. ઈશ્વરને નામે માનવી અનેક પ્રપંચ ખેલે છે અને એ પ્રપંચોમાં સફળ થાય તો એનો એ સ્વયં યશ લે છે, પણ એમાં નિષ્ફળ જાય તો  એનો અપયશ ઈશ્વરને આપે છે. ઈશ્વરે માણસને સર્જ્યો એમ કહેવાય છે, પણ હકીકતમાં તો માણસે પોતાની નિષ્ક્રિયતા, દંભ, નબળાઈ અને નિષ્ફળતાને છાવરવા માટે ઈશ્વરને સર્જ્યો છે. પ્રમાદને કારણે નોકરી જાય તો એમાં ઈશ્વરનો સંકેત, ઘણી સંતતિ થાય તો એમાં ઈશ્વરની મરજી, ડાયાબિટીસથી મૃત્યુ થાય તો એમાં ઈશ્વરની ઇચ્છા. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત હોય કે ન હોય, પરંતુ માનવીઓનાં બહાનાંમાં તો એ વ્યાપ્ત છે જ. એ વારંવાર ઈશ્વરને હડફેટે ચડાવે છે. માથે આવેલાં દુ:ખો કે આપત્તિને પોતાનાં કર્મોનાં ફળ સમજવાને બદલે એ એમાં ઈશ્વરનું કાવતરું જુએ છે. ગમતું બને તેનું કારણ પોતે, અણગમતું જે કંઈ થાય તે બધું ઈશ્વરને કારણે. ઈશ્વર આ માનવીની બહાનાંબાજી જોઈને કાં તો ખડખડાટ હસતો હશે અથવા તો એનાથી કંટાળીને થાકીને લોથપોથ થઈ ગયો હશે !

કુમારપાળ દેસાઈ