લીલા ————–
અંતિમ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ ઉમદા ચરિત્ર, દૃઢ મનોબળ, તીવ્ર બુદ્ધિમત્તા અને કાર્યક્ષમ વહીવટકર્તા હોવા છતાં એના શંકાશીલ માનસ અને ધાર્મિક કટ્ટરતાને કારણે મુઘલ સામ્રાજ્યના પતનનું કારણ બન્યો. એણે પિતાને કેદ કર્યા હતા, ભાઈઓ અને એમના પુત્રોની હત્યા કરી હતી. પોતાની મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા સતત યુદ્ધો ખેલતો રહ્યો. આ જ ઔરંગઝેબ રાજ્યના ધનને થાપણ સમાન માનતો હતો. ટોપીઓ ગૂંથીને અને કુરાનની નકલો કરીને અંગત આવક મેળવતો હતો. માંસ, કેફી પદાર્થો, મદિરા, જુગારખાનાં અને વેશ્યાગૃહો તરફ સખત નફરત ધરાવતો હતો અને ખૂબ મહેનતુ તથા મિતાહારી હતો.
એક વાર અમદાવાદના મહમ્મદ મોહસીન નામના કાઝીએ આવીને ઔરંગઝેબના દરબારમાં અદ્દલ ઇન્સાફની માગણી કરી. એણે બાદશાહ ઉપર એવો ઇલ્જામ મૂક્યો કે એમણે મારા પાંચ લાખ રૂપિયા શાહી ખજાનામાં ઘણા સમયથી વિના કારણે રાખી મૂક્યા છે. આ ઇલ્જામ સાંભળીને ઔરંગઝેબને પારાવાર આશ્ચર્ય થયું. કારણ એટલું કે એણે જિંદગીમાં ક્યારેય કોઈની પાસેથી પોતાના ખજાના માટે ઉધાર રકમ લીધી નહોતી, તો પછી આ પાંચ લાખ રૂપિયાની વાત આવી ક્યાંથી ? બન્યું હતું એવું કે શાહજહાંએ ગુજરાતના સૂબા તરીકે મુરાદને મોકલ્યો હતો, ત્યારે મુરાદે પોતાના નામના સિક્કા બહાર પાડવા માટે મહમ્મદ મોહસીન પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. રાજના ખજાનામાં એ રકમ આવી ગઈ, પણ મુરાદની હત્યા થતાં એ સઘળી સંપત્તિ ઔરંગઝેબના શાહી ખજાનામાં આવી ગઈ. મહમ્મદ મોહસીને એનો દસ્તાવેજ રજૂ કર્યો એટલે બાદશાહ ઔરંગઝેબે કહ્યું, ‘મારો ગુનો કબૂલ. તમને અબી ને અબી રાજ-ખજાનામાંથી તમારી રકમ અદા કરવામાં આવશે.’ અને થોડીક ક્ષણોમાં જ પાંચ લાખની રકમની થેલીઓ રાજદરબારમાં હાજર થઈ, ત્યારે મોહસીનની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં. એણે કહ્યું, ‘જહાંપનાહ, આપનો આવો અદ્દલ ઇન્સાફ મારે માટે અમૂલ્ય છે. હવે મારે એ રકમ પાછી જોઈએ નહીં. આપ એને શાહી ખજાનામાં ફરીથી જમા કરો અને એ રકમ મને મળી ગઈ છે તેની આ પહોંચ સ્વીકારો.’
ન્યાય સત્યનો પૂજક છે. એ સત્યને જાળવવા માટે સઘળું સમર્પણ કરવા તૈયાર છે. ઔરંગઝેબ કટ્ટર ધર્મચુસ્ત હતો, પણ સાથોસાથ પોતે માનતો હતો તે મૂલ્યોને જીવનારો હતો.
કુમારપાળ દેસાઈ