જ. ૧ નવેમ્બર, ૧૮૬૭ અ. ૧૪ ડિસેમ્બર, ૧૯૫૭
જૂની ગુજરાતી રંગભૂમિના નાટ્યલેખક. અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. જૂનાગઢમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ ઘરે રહી ધાર્મિક કાર્યો અને સંસ્કૃત ભાષાના ગ્રંથોનું નિયમિત વાંચન કરતા. સંસ્કૃતના પ્રખર વિદ્વાન પાસે અભ્યાસ પણ કર્યો. ધારી ગામમાં ગ્રામ વિકાસ અધિકારી તરીકે કાર્ય આરંભ્યું, પરંતુ મુંબઈ જવાનું થતાં નોકરી છોડી દેવી પડી. કેટલોક સમય સંઘર્ષમાં વિતાવી ‘સત્યવક્તા’ સાપ્તાહિકમાં પ્રૂફરીડર તરીકે જોડાયા. તેઓ પોતાની કટાર ‘ઘનઘટા’માં સત્યઘટનાઓ વર્ણવતા. આ સાપ્તાહિકના તંત્રી પણ બનેલા. પ્રારંભથી જ નાટ્યલેખનનો શોખ હોવાથી ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’માં લેખક તરીકે નોકરી સ્વીકારી. તેમનું પહેલું નાટક ‘શાકુંતલ’ (૧૮૮૯) અને બીજું નાટક ‘રાજબીજ’ (૧૮૯૧) જે ગેઇટી થિયેટરમાં ભજવવામાં આવેલું તે વ્યાવસાયિક રીતે સફળ પણ થયું. ત્યારબાદ ‘કુંદબાળા’ (૧૮૯૨) અને ‘માનિંસહ અભયસિંહ (૧૮૮૩) જેવાં નાટકો લખ્યાં હતાં.
તેમની તબિયત અસ્વસ્થ રહેતાં વતન પાછા આવ્યા, જ્યાં કેટલાંક સફળ નાટકોની રચના કરી, જેમાં ‘મૂળરાજ સોલંકી’ (૧૮૯૫) અને નંદશંકર મહેતાના કરણઘેલો પર આધારિત ‘કરણઘેલો’(૧૮૯૬) વગેરે. તેમણે શેક્સપિયર તથા કાલિદાસનો અભ્યાસ કરી ‘બૅરિસ્ટર’ (૧૮૯૭) નામનું નાટક લખ્યું, જેમાં એક યુવકને પશ્ચિમી વિશ્વ પ્રત્યેના આકર્ષણથી બરબાદ થતો દર્શાવ્યો છે. તેમણે ગુજરાતી રંગભૂમિને કરુણાંતિકાનો પરિચય કરાવ્યો. ત્યારબાદ ‘જયરાજ’ (૧૮૯૮) અને ‘અજબકુમારી’ (૧૮૯૯) નાટકો લખાયાં. તેમની ઉચ્ચ નાટ્યપ્રતિભાનાં દર્શન તો ‘સૌભાગ્યસુંદરી’ નાટક ભજવાવાથી થયું. આ નાટકમાં જયશંકર ભોજકે નાયિકાનો સુંદર અભિનય કરેલો. ત્યારથી તેઓ ‘સુંદરી’ કહેવાયા. ‘જુગલજુગારી’ (૧૯૦૨) તેમનું સામાજિક થીમનું નાટક હતું. તો ‘કૃષ્ણચરિત્ર’ (૧૯૦૬) ભક્તિભાવ અને ધાર્મિક ભાવનાવાળું, ‘એક જ ભૂલ’માં તેમણે રડારથી વિમાનનું નિયંત્રણ બતાવી વૈજ્ઞાનિક વાતને સૌપ્રથમ વાર દર્શાવી. તેમણે સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પર પચાસથી વધુ નાટકો લખ્યાં હતાં, જેમાંથી લગભગ અઠ્ઠાવીસ મંચસ્થ થયાં હતાં. ૧૯૧૫માં તેમણે ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ છોડી. ૧૯૨૦માં તેમણે ‘આર્યસુબોધ’ ગુજરાતી નાટક મંડળી સાથે કાર્ય કર્યું. રંગભૂમિક્ષેત્રે તેમના વિશિષ્ટ પ્રદાન માટે ગુજરાત વિદ્યાસભા તેમજ મુંબઈની સંસ્થાએ એમનું સન્માન કરેલું.
રાજશ્રી મહાદેવિયા