મેલ્વિલ ડીમેલો


જ. ૨૮ એપ્રિલ, ૧૯૧૩ અ. ૫ જૂન, ૧૯૮૯

સ્વતંત્ર ભારતમાં વિવિધ ઘટનાઓ પરના તેમના ઉચ્ચ ગુણવત્તાવાળા અહેવાલો અને ભાષ્યો માટે જેમને યાદ કરવામાં આવે છે તે મેલ્વિલ ડી’મેલો ઑલ ઇન્ડિયા રેડિયો સાથે જોડાયેલા ભારતીય રેડિયો પ્રસારણકર્તા હતા. ડી’મેલોનું શિક્ષણ શિમલાની બિશપ કોટન સ્કૂલ અને મસૂરીની સેન્ટ જ્યોર્જ કૉલેજમાં થયું હતું. તેમણે પંજાબ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ તરીકે પણ સેવા આપી હતી. મેલ્વિલ ડી’મેલોએ ૧૯૫૦થી ૧૯૭૧ સુધી ઑલ ઇન્ડિયા રેડિયો સાથે કામ કર્યું હતું અને તેઓ ‘સ્ટાફ આર્ટિસ્ટ’ કૅટેગરીમાં આવતા હતા. તેમની નિવૃત્તિ પછી પણ તેમને બીજાં પાંચ વર્ષ માટે નિર્માતા (એમેરિટ્સ) તરીકે સેવારત રાખવામાં આવ્યા હતા. ૧૯૪૮માં ગાંધીનિર્વાણદિને ડી’મેલો બિરલા હાઉસથી રાજઘાટ ખાતે સ્મશાનસ્થળ સુધી મહાત્મા ગાંધીજીના પાર્થિવ દેહને લઈ જતી ટીમ સાથે ગયા હતા અને ઑલ ઇન્ડિયા રેડિયોની વાનમાંથી સમગ્ર ઘટનાની સાત કલાક સુધી સૌને ઝાંખી કરાવી હતી. જેને ભારતના રેડિયો પ્રસારણમાંનાં શ્રેષ્ઠ ઉદાહરણોમાંના એક તરીકે યાદ કરવામાં આવે છે. ૧૯૫૨માં તેમને રાણી એલિઝાબેથના રાજ્યાભિષેક શોભાયાત્રાની કૉમેન્ટરી આપવા માટે બ્રિટિશ સરકારે પસંદ કર્યા હતા. તેમણે વર્ષો સુધી ભારતના પ્રજાસત્તાકદિનની પરેડમાં કૉમેન્ટેટર તરીકે સેવા આપી હતી. ભારત-પાકિસ્તાન હૉકી મૅચો પરની તેમની કૉમેન્ટરી આજે પણ યાદ કરવામાં આવે છે. બાંગ્લાદેશ યુદ્ધ અને ત્યારબાદ ભારતીય દળો દ્વારા તેની મુક્તિ પરના તેમના અહેવાલની હજારો રેડિયોશ્રોતાઓ આતુરતાથી રાહ જોતા જોવા મળતા હતા. મેલ્વિલ ડી’મેલોએ રમતગમત પર અનેક પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ધ સ્ટોરી ઑફ ધ ઑલિમ્પિક્સ’ વિશેષ ઉલ્લેખનીય છે. અન્ય પુસ્તકોમાં ‘રિચિંગ ફોર એક્સેલન્સ’ અને ‘ધ ગ્લૉરી ઍન્ડ ડેકે ઑફ ઇન્ડિયન સ્પૉર્ટ્સ’ ખાસ નોંધપાત્ર છે. મેલ્વિલ ડી’મેલોને ચૅકોસ્લોવાક રેડિયો ડૉક્યુમેન્ટરી પુરસ્કાર (૧૯૬૦), કૉમેન્ટરી પુરસ્કાર (૧૯૭૭), એશિયાડ જ્યોતિ ઍવૉર્ડ (૧૯૮૪) અને ૧૯૬૩માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.