જ. ૧૩ માર્ચ, ૧૯૦૯ અ. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૧

પીઢ પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર. બાળપણમાં જ પિતાનું અવસાન થવાથી માતા વિજયાબહેને ઉછેર્યા. પછી મુંબઈમાં પિતરાઈ મોટા ભાઈ જયકૃષ્ણ સાથે રહી દાવર્સ કૉલેજમાં અભ્યાસ કરવા લાગ્યા. જોકે અભ્યાસ પણ અધવચ્ચે છોડી સામયિકોમાં લેખો-વાર્તાઓ લખવા લાગ્યા. સાહિત્યના અભ્યાસી પત્રકાર અંબાલાલ બુલાખીરામ જાની પાસે પત્રકારત્વની તાલીમ લીધી. ૧૯૨૭માં મુંબઈના પ્રસિદ્ધ સાપ્તાહિક ‘ગુજરાતી’માં જોડાયા. ત્યારબાદ ‘હિન્દુસ્તાન-પ્રજાપતિ’, ‘જન્મભૂમિ’ અને ‘વંદે માતરમ’માં જોડાયા. શામળદાસ ગાંધીના અવસાન બાદ ‘વંદે માતરમ્’ બંધ થવાથી ‘પ્રજામત’ નામના દૈનિકનું તંત્રીપદ સંભાળ્યું, પણ હૃદયરોગના હુમલાને કારણે તે કામ પડતું મૂકવું પડ્યું. ૧૯૨૯થી એક દસકા સુધી સ્ત્રી-માસિક ‘ગુણસુંદરી’નું સંપાદનકાર્ય સંભાળ્યું. સાથે સાથે જ્ઞાતિની ‘વિદ્યોત્તેજક સભા’ તથા મુંબઈના સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે સંકળાયેલા રહ્યા. ૧૯૫૫માં સ્વાસ્થ્ય સુધરતાં ‘મુંબઈ સમાચાર’ પત્રે તેમને જવાબદારી સોંપી. ૧૯૫૮માં પત્રના અગ્રલેખ-લેખક તરીકે ટોચનું સ્થાન પ્રાપ્ત કરી, જીવનપર્યંત કાર્યરત રહ્યા. તેમના વિશદ અને વિસ્તૃત અગ્રલેખોમાં રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કારિક અભ્યાસની ગહનતા જોવા મળે છે. ૧૯૬૮માં ઉત્તર મુંબઈની રોટરી ક્લબે તેમના માહિતીસભર અને નીડરતાભર્યા અગ્રલેખોની કદર કરતાં ‘સ્વ. બેન્જામિન ગાઇ હૉર્નિમૅન’ના નામનો વર્ષના શ્રેષ્ઠ પત્રકારને અપાતો પુરસ્કાર અર્પણ કરાયો હતો.
તેમણે અગિયાર જેટલાં પુસ્તકોની રચના કરી છે. તેમણે નવલકથા અને ટૂંકી વાર્તાક્ષેત્રે પ્રદાન કર્યું છે. ‘એક વ્યવસાયી પત્રકારની ઘડતરકથા’ અને ‘અર્ધી શતાબ્દીની અખબાર-યાત્રા’ નામનાં પુસ્તકોમાં પોતાની જ ઘડતરકથા સાથે પત્રકારત્વક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓ તથા ઘટનાઓને વર્ણવી છે.
રાજશ્રી મહાદેવિયા