જ. ૧૨ માર્ચ, ૧૯૧૪ અ. ૨૫ નવેમ્બર, ૧૯૮૪

મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તથા ભારતના સંરક્ષણપ્રધાન યશવંતરાવનો જન્મ સામાન્ય ખેડૂત કુટુંબમાં દેવરાષ્ટ્રે, સતારામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કરાડમાં લીધું. ઉચ્ચશિક્ષણ કોલ્હાપુર તથા પુણેમાં લીધું. બી.એ. અને એલએલ.બી. સુધી અભ્યાસ કર્યો. ૧૯૩૦માં રાજકારણમાં સક્રિય બન્યા. સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લીધો. ૧૯૩૨માં પ્રથમ કારાવાસ ભોગવ્યો. ડાબેરી વિચારસરણી ધરાવતા હોવા છતાં જવાહરલાલ નહેરુના પ્રભાવને લીધે રાજકીય કારકિર્દી દરમિયાન તે કૉંગ્રેસ સાથે રહ્યા. ૧૯૪૨ના ‘ભારત છોડો આંદોલન દરમિયાન ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને ૧૯૪૩માં તેમની ધરપકડ થઈ હતી. સાતારા જિલ્લામાં ક્રાંતિકારી આંદોલનમાં અગ્રણી ભાગ લઈ નેતૃત્વ લીધેલું.
૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલાયદાં રાજ્યો સ્થપાયાં ત્યારે તે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ વખતે ભારતના સંરક્ષણપ્રધાન તરીકે તેઓ નિમાયા. ત્યારપછીના ગાળામાં કેન્દ્ર સરકારમાં મહત્ત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી. ૧૯૬૨-૬૬ દરમિયાન સંરક્ષણપ્રધાન, ૧૯૬૬-૭૦ દરમિયાન ગૃહપ્રધાન, ૧૯૭૦-૭૪ દરમિયાન નાણાપ્રધાન અને ૧૯૭૪-૭૭ દરમિયાન વિદેશપ્રધાન બન્યા. ૧૯૭૮માં ચૌધરી ચરણિંસઘના મંત્રીમંડળમાં તેઓ નાયબ વડાપ્રધાન નિમાયા.
૧૯૬૯માં કૉંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તે અટકાવવા માટે તેમણે પ્રયત્નો કરેલા, પરંતુ ભાગલા પડતાં તે કૉંગ્રેસ (૦) ‘સિન્ડિકેટ કૉંગ્રેસ સાથે રહ્યા હતા. ૧૯૭૫માં લદાયેલી કટોકટીનો તેમણે વિરોધ કરેલો. ૧૯૮૦ અને ૧૯૮૪માં કૉંગ્રેસની ઇન્દિરા પાંખમાં પાછા ફરનારામાં ચવાણનો પણ સમાવેશ થતો હતો, પરંતુ તેમને કોઈ પણ હોદ્દાથી વંચિત રાખવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં નાશિક ખાતે તેમના નામે ઓપન યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. તેઓ લેખક, વક્તા, વહીવટકર્તા, સાંસદ અને ઉદારમતવાદી નેતા હતા. તેમનાં ભાષણોના બે સંગ્રહો પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે : ‘સહ્યાદ્રિ ચે વારે’ (૧૯૬૨) અને ‘યુગાંતર’ (૧૯૭૦).
અમલા પરીખ