જ. ૨૭ ડિસેમ્બર, ૧૯૧૬ અ. ૩ જાન્યુઆરી, ૧૯૬૪
ભારતીય શાસ્ત્રીય સંગીતના ખૂબ જ પ્રતિભાસંપન્ન કલાકાર યશવંત પુરોહિતનો જન્મ ભાવનગર પાસે પરવાળા ગામમાં થયો હતો. પિતા ચિમનલાલ પુરોહિત પણ ભાવનગરના પ્રતિષ્ઠિત સંગીતજ્ઞ હતા. ભાવનગરના દક્ષિણામૂર્તિમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. પ્રસંગોપાત્ત ભાવનગર આવેલા પંડિત નારાયણરાવ વ્યાસના નિમંત્રણથી અમદાવાદમાં તેમની ‘ગુજરાત સંગીત વિદ્યાપીઠ’માં જોડાયા અને સંગીતની પ્રારંભિક તાલીમ શરૂ કરી. પંડિત શંકરરાવ વ્યાસ તથા પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે સઘન સંગીતતાલીમ મેળવીને ગ્વાલિયર ઘરાનાની ગાયકીનો ગહન અભ્યાસ કર્યો. ત્યારબાદ મુંબઈ વસવાટ દરમિયાન તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર પાસે સંગીતની ઉચ્ચ તાલીમ લીધી. તે પછી કિરાના ઘરાનાના બાલકૃષ્ણ કપિલેશ્વરી બુવા પાસે સંગીતની આરાધના કરી કિરાના ઘરાનાની ગાયકીમાં પ્રાવીણ્ય મેળવ્યું. વચ્ચે પિતાના અવસાનથી સંગીતસાધનામાં રુકાવટ આવી, પરંતુ ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજીએ એમની શક્તિ પિછાની તેમને માસિક રૂ. ૨૫/-ની શિષ્યવૃત્તિ આપી, સાનુકૂળતા કરી આપી. તેમને શંકર અને કેદાર રાગ અતિપ્રિય હતા. ખ્યાલ ગાયકી તેમની ગાયનકલાનું મુખ્ય અંગ હતી. ઠૂમરી ગાયકીમાં પણ તેમનું કૌશલ્ય હતું. તેમનો અવાજ મીઠો હતો અને તેમની ગાયકીમાં મધુર તાલ, સ્વર, શબ્દ, રસ તથા ભાવની અનેરી મિલાવટ હતી. કિરાના ઘરાનામાં અલ્પ પ્રચલિત એવા છાયાનટ, બિહાગ વગેરે જેવા રાગો ઉપર એમનું પ્રભુત્વ હતું. સંગીતક્ષેત્રમાં ઘણી વાર જોવા મળતી વાડાબંધીથી તેઓ દૂર રહી બીજી સંગીતશૈલીઓ અને ઘરાના પ્રત્યે પણ આદર રાખતા. ‘રસરંગ’ના ઉપનામે એમણે ‘મધુબંસરી માન મનાવત’, ‘આંગનમેં’ વગેરે કેટલીક સુંદર રચનાઓ પણ રચી છે. તેમના સંગીતના કાર્યક્રમો ભારતનાં તમામ આકાશવાણી કેન્દ્રો પરથી પ્રસારિત થયા હતા. ભાવનગરના મહારાજાએ તેમની સ્મૃતિમાં તેમના નામે એક શિષ્યવૃત્તિની શરૂઆત કરી છે. ગુજરાત સરકારે ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના ઉપક્રમે ભાવનગર ખાતે બંધાયેલા નાટ્યગૃહનું ‘યશવંત પુરોહિત નાટ્યગૃહ’ એવું નામાભિધાન કરી તેમની સ્મૃતિને કાયમી અંજલિ આપી છે.
અમલા પરીખ