જ. ૨૬ નવેમ્બર, ૧૯૨૬ અ. ૨૪ જુલાઈ, ૨૦૧૭
ભારતના ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની અને કેળવણીકાર. તેમનો જન્મ ઝંગ(હાલ પાકિસ્તાન)માં થયો હતો.
પંજાબ યુનિવર્સિટીમાંથી ૧૯૪૮માં બી.એસસી. અને ૧૯૪૯માં એમ.એસસી. થયા બાદ યશ પાલે ૧૯૫૦માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ, મુંબઈ ખાતે કૉસ્મિક કિરણો અને ઉચ્ચ-ઊર્જા ભૌતિકી ઉપર સંશોધનકાર્ય શરૂ કર્યું. ૧૯૫૮માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૮૩ સુધી તેઓ તાતા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રાધ્યાપક હતા તે દરમિયાન ઘણી સંસ્થાઓના તેઓ મુલાકાતી અધ્યાપક હતા. મૂળભૂત કણોના ક્ષેત્રે તેમણે પાયાનું સંશોધનકાર્ય કર્યું છે. ઉચ્ચ-ઊર્જા આંતરક્રિયાનું પાયોનાઇઝેશન-વિખંડન પરિરૂપ તેમણે તૈયાર કર્યું હતું. ૧૯૭૩માં તેઓ ટૅકનૉલૉજી, સંદેશાવ્યવહાર, શિક્ષણ અને વિકાસ સાથે સંકળાયેલાં ક્ષેત્રો તરફ વળ્યા અને અમદાવાદ ખાતે આવેલ સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરના પ્રથમ નિયામક તરીકે ૧૯૭૩થી ૧૯૮૧ સુધી સંચાલન કરેલું. અહીં તેમની જવાબદારી ભારતના સૌથી પછાત એવાં કેટલાંક હજાર ગામોમાં શિક્ષણ અને વિકાસ માટે ઉપગ્રહ આધારિત સીધા ટેલિવિઝન પ્રસારણનો ઉપયોગ થઈ શકે કે કેમ તે ચકાસવા માટેનો એક સામાજિક ટૅકનિકલ પ્રયોગ કરવાની હતી. ૧૯૮૬થી ૧૯૯૧ દરમિયાન તેમને અનેક પ્રકારની જવાબદારી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે શાળાનાં બાળકો માટે ‘ભાર વિનાના ભણતર’નો વ્યાવહારિક ખ્યાલ આપ્યો હતો. ૧૯૯૫માં ભારત સરકારે તેમને નૅશનલ રિસર્ચ પ્રોફેસર તરીકે નીમ્યા હતા.
તેમણે ભારતની ઘણી વિજ્ઞાનસંસ્થાઓના અધ્યક્ષ કે પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. ૧૯૭૭માં તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો તરીકે ચૂંટાયેલા. આ ઉપરાંત પણ તેઓ અનેક સંસ્થાઓના માનાર્હ ફેલો હતા. તેમણે અનેક યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે પણ સેવાઓ આપેલી. તેમને તેમના પ્રદાનના સંદર્ભમાં અનેક ઍવૉર્ડ્સ મળ્યા હતા; જેમ કે, ૧૯૮૦માં માર્કોની ઇન્ટરનેશનલ ફેલોશિપ ઍવૉર્ડ, ૧૯૯૨માં લૉર્ડ પેરી ઍવૉર્ડ ફોર એક્સેલન્સ ઇન ડિસ્ટંટ એજ્યુકેશન, ૧૯૯૮માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનનો સર આશુતોષ મુકરજી સુવર્ણચંદ્રક વગેરે. ભારત સરકાર તરફથી તેમને ૧૯૭૬માં ‘પદ્મભૂષણ’, ૨૦૧૩માં ‘પદ્મવિભૂષણ’થી પણ સન્માનિત કરવામાં આવેલા. ૨૦૦૬માં મેઘનાદ સહા ઍવૉર્ડ પણ મળેલો. તેમનું મૃત્યુ નોઇડા(ઉત્તરપ્રદેશ)માં આંતરડાની માંદગીને કારણે થયું હતું.
અનિલ રાવલ