યોગ્ય વળતર


અમેરિકાના પ્રમુખ થયા પૂર્વે અબ્રાહમ લિંકન (ઈ. સ. ૧૮૦૯થી ૧૮૬૫) એક સફળ અને નામાંકિત વકીલ હતા. એ સમયે વકીલાતનો વ્યવસાય પ્રમાણિક ગણાતો નહીં. એમાં કાવાદાવા અને છેતરિંપડી ચાલતાં હતાં. સામા પક્ષના સાક્ષીઓને ફોડવા માટે લાંચરુશવત પણ અપાતી હતી. ખોટા કેસને બુદ્ધિચાતુર્યથી કે આક્રમક દલીલબાજીથી સાચા સાબિત કરવાની પેંતરાબાજી પણ થતી, ત્યારે અબ્રાહમ લિંકન કદી પ્રલોભનને વશ થયા નહીં. હીન પ્રણાલીથી અળગા રહ્યા. આ વ્યવસાયને એમના માનવતાવાદી હૃદયસ્પર્શથી એક ગૌરવ અપાવ્યું. પોતાના અસીલની સ્થિતિ પ્રમાણે એની પાસેથી એ વકીલાતની ફી લેતા. કેટલાક કેસમાં તો એ ફી જતી પણ કરતા, પરંતુ જો કોઈ એમના કામની કિંમત ઓછી આંકે અને હાથે કરીને કે ઉપેક્ષાભાવથી મળવી જોઈએ એના કરતાં ઓછી ફી આપવાનો પ્રયત્ન કરે, તો એને બરાબર પદાર્થપાઠ પણ શીખવતા. એક રેલવે કંપનીએ અબ્રાહમ લિંકનને સરક્યૂટ કોર્ટમાં પોતાના વતી કેસ લડવાની કામગીરી સોંપી. અબ્રાહમ લિંકનની સામે ઘણા સમર્થ અને નામાંકિત વકીલો હતા. આ કેસમાં લિંકનની હાર થઈ, પરંતુ એમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી અને જીત મેળવી. તેને પરિણામે કંપનીને લાખો ડૉલરનો ફાયદો થયો. અબ્રાહમ લિંકને રેલવે કંપનીને બે હજાર ડૉલરની ફીનું બિલ મોકલ્યું, ત્યારે રેલવેના મૅનેજરે કહ્યું, ‘આટલી બધી ફી હોય ? આટલી ફી આવા સામાન્ય વકીલને ન અપાય.’ એમ કહીને લિંકનને એની ફી પેટે બસો ડૉલરનો ચેક મોકલી આપ્યો. લિંકને જોયું કે આ મૅનેજરને એમના કામની કશી કદર નથી. કંપનીને લાખો ડૉલરનો ફાયદો કરી આપ્યો, છતાં માત્ર બસો ડૉલરનો ચેક મોકલ્યો છે. આજે મારી આવી અવગણના કરે છે. આવતીકાલે બીજાની પણ કરશે. આથી લિંકને રેલવે કંપની પર પાંચ હજાર ડૉલરનો દાવો માંડ્યો. લિંકન એ કેસમાં જીત્યા. બે હજારને બદલે એમને પાંચ હજાર ડૉલર મળ્યા.

કુમારપાળ દેસાઈ