રમણલાલ છોટાલાલ મહેતા


જ. ૩૧ ઑક્ટોબર, ૧૯૧૮ અ. ૧૮ ઑક્ટોબર, ૨૦૧૪

ગુજરાતના સંગીતશાસ્ત્રના તજજ્ઞ અને અગ્રગણ્ય સંગીતવિજ્ઞાની (Musicologist) રમણલાલનો જન્મ સૂરતમાં થયો હતો. બી.એ.; ડી.મ્યૂઝ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ તેમણે ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટ્સમાં આચાર્ય તરીકે સેવા આપી. તેમણે કંઠ્ય સંગીતની કિરાના શૈલીની તાલીમ કંચનલાલ મામાવાળા અને પછી અબ્દુલ વહીદખાન પાસેથી લીધી. તેમણે ખયાલ ગાયકી તથા ઠૂમરીમાં પોતાની આગવી શૈલી વિકસાવી. તેમણે મ્યુઝિક સર્કલ, સંગીત પરિષદો તથા આકાશવાણી પર શાસ્ત્રીય હિંદુસ્તાની સંગીતના વિવિધ કાર્યક્રમો આપ્યા. રમણલાલે ૪૫થી વધુ વર્ષો ભારતમાં સંગીતશિક્ષણ ક્ષેત્રે કામ કર્યું. તેમણે ભારતની અનેક યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સંગીત-શિક્ષણ આયોજનમાં નોંધપાત્ર ફાળો આપ્યો. અનેક શૈક્ષણિક સંસ્થાઓ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તથા આકાશવાણીના સેન્ટ્રલ મ્યુઝિક ઑડિશન બોર્ડમાં નિષ્ણાત તરીકે કામગીરી બજાવી. તેમણે ૧૯૭૦માં ઇન્ડિયન મ્યુઝિકોલૉજિકલ સોસાયટી(મુંબઈ-વડોદરા)ની સ્થાપના કરી. તેઓ ‘ધ જર્નલ ઑવ્ ધી ઇન્ડિયન મ્યુઝિકોલૉજિકલ સોસાયટી’ના સ્થાપક તંત્રી હતા.

ઇંગ્લૅન્ડની કૉલેજો તથા યુનિવર્સિટીઓમાં સંગીત પર તેમણે વ્યાખ્યાનો આપ્યાં. સંગીતનાં વિવિધ પાસાં પરનાં તેમનાં પ્રકાશનોમાં ‘આગ્રા ઘરાના-પરંપરા, ગાયકી ઔર ચીજેં’, ‘ગુજરાતી ગેય કવિતા’, ‘સંગીતચર્ચા’ વગેરેનો સમાવેશ થાય છે. તેમના તંત્રીપદ હેઠળ ૧૭ પુસ્તકોનું પ્રકાશન થયું છે. તેઓ ગુજરાત સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ (૧૯૯૩-૯૪, ૧૯૯૫-૯૬) હતા. ૧૯૯૯ સુધી તેઓ તે સંસ્થાના સંગીત કાર્યક્રમમાં આવાહક તરીકે સક્રિય હતા.

રમણલાલ મહેતાને અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ તરફથી ‘ડૉક્ટર ઑવ્ મ્યુઝિક’ની માનાર્હ પદવી, ગુજરાત સરકારનો સંગીતક્ષેત્રનો ઍવૉર્ડ, ભારત સરકાર તરફથી માનાર્હ ફેલોશિપ, મુંબઈની સૂરસિંગાર સંસદ તરફથી સારંગદેવ ફેલોશિપ ઉપરાંત અનેક પ્રશસ્તિપત્રો, રોકડ પુરસ્કાર તથા ‘શ્રેષ્ઠ સંગીતાચાર્ય’નું બિરુદ પ્રાપ્ત થયાં.

૨૦૦૯માં ભારત સરકાર તરફથી તેમને પદ્મભૂષણના ખિતાબથી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ