રશ્મિભાઈ ક્ષત્રિય


જ. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૨૬ અ. – ઑગસ્ટ, ૧૯૮૬

ગુજરાતના એક આધુનિક ચિત્રકાર અને કલાશિક્ષક. વડોદૃરાના એક મધ્યમવર્ગમાં જન્મેલા રશ્મિની બાર વર્ષની ઉંમર પહેલાં જ માતાપિતા અવસાન પામતાં કાકાએ તેમને ઉછેર્યા. મૅટ્રિક્યુલેશન કર્યા પછી અમદાવાદ ખાતે રવિશંકર રાવળની ચિત્રશાળા ‘ગુજરાત કલાસંઘ’માં વિદ્યાર્થી તરીકે જોડાઈને કલાસાધના આરંભી. એ સાથે સરકારના રેશિંનગ અનાજના ખાતામાં નોકરી શરૂ કરી. પરંતુ સરકારે નોકરીમાંથી કાઢી મૂકતાં સરકારી ઑફિસના ઓટલા પર બેસીને લોકોને વિવિધ અરજીઓ લખી આપીને ગુજરાન ચલાવ્યું તથા કલાસાધના માટેના ખર્ચની જોગવાઈ કરી. ઉદાર રવિશંકર રાવળે પણ તેમને કલાસાધના માટે આર્થિક મદદ કરી. આ જ રીતે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ પણ પ્રાપ્ત કરી. એ પછી પહેલાં ઉત્તર ગુજરાતના સરઢવ ગામમાં અને પછી અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાવિહાર શાળામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અને પૂરી કરી. શેઠ સી. એન. વિદ્યાવિહારના નિયામક સ્નેહરશ્મિ(ઝીણાભાઈ દેસાઈ)એ ૧૯૭૩માં વિદ્યાવિહારના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરેલું. કેવી રીતે કલાપ્રવૃત્તિ કરવી તે બાબતમાં રશ્મિભાઈ બાળકોને પૂરતી આઝાદી આપતા. કેવી રીતે બાળકોને કલાશિક્ષણ આપવું તે બાબતમાં સ્નેહરશ્મિએ રશ્મિભાઈને પૂરતી આઝાદી અને મોકળાશ આપેલાં. તેઓ બાળકો પાસે કલાના અવનવા પ્રયોગો કરાવતા. રશ્મિભાઈ મૌલિક ચિત્રકાર હતા અને તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો રશિયા, ચેક રિપબ્લિક, જર્મની, ઇટાલી, કૅનેડા, જાપાન, બ્રિટનમાં થયેલાં. તેમની મૌલિક કલાનો સૂર હતો – ‘મારાં લોહી અને આંસુથી લખેલી મારા પ્રેમ અને નિરાશાની વેદના.’ તેમને બિલાડાં ખૂબ જ વહાલાં હતાં. તેમણે ઘણી બધી બિલાડીઓ પાળેલી અને રોજેરોજ તેમને જાતે રાંધીને ખવડાવતા. આજીવન એકાકી – અપરિણીત રશ્મિભાઈ કલાશિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી ત્રણ માસમાં જ અવસાન પામ્યા.

અમિતાભ મડિયા