જ. ૨૩ માર્ચ, ૧૯૧૦ અ. ૧૨ ઑક્ટોબર, ૧૯૬૭

ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી ચિંતક, પ્રથમ કક્ષાના રાજકારણી અને સાંસદ તથા પ્રજાકીય આંદોલનના અગ્રણી રામમનોહરનો જન્મ ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમના પૂર્વજોનો વ્યવસાય લોખંડનો હતો, આથી તેઓની અટક લોહિયા પડી. બાળપણમાં માતા ગુજરી જતાં દાદીએ તેમનો ઉછેર કર્યો. અભ્યાસમાં તેઓ ખૂબ તેજસ્વી હતા, શાળામાંથી જ તેઓ ગાંધીજીના પ્રભાવ હેઠળ આવ્યા. ભારતમાં અંગ્રેજી વિષય સાથે કલકત્તા યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા અને ૧૯૩૨માં અર્થશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટ પદવી મેળવી. ત્યારબાદ રાજકારણમાં ભાગ લીધો. ૧૯૩૪માં પટના ખાતે સમાજવાદી પાર્ટીની સ્થાપનાનો નિર્ણય લેવાયો, જેમાં તેઓએ સક્રિય ભાગ લીધો. રાજકીય પરિષદના પ્રમુખપદે ચૂંટાયા. ૧૯૩૬માં જવાહરલાલ નહેરુ દ્વારા તેમની વરણી કૉંગ્રેસ સમિતિના વિદેશ સચિવ તરીકે થઈ. બે વર્ષ બાદ તેઓ આ પદેથી મુક્ત થયા. ૧૯૪૦ની સાલમાં યુદ્ધ વિરોધી ભાષણ કરવા બદલ તેમને બે વર્ષ માટે જેલ થઈ. ગાંધીજીએ શરૂ કરેલ ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું, તેમાં લોહિયાએ ગુપ્ત રીતે વિદ્રોહને સંગઠિત કરવાનું કાર્ય કર્યું હતું, તે બદલ તેઓએ જેલવાસ ભોગવ્યો હતો. ૧૯૩૮માં કૉંગ્રેસ પક્ષ છોડ્યા બાદ લોહિયા કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી સાથે જોડાયા. ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં તેમણે કનોજ લોકસભાક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું. ૫૭ વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના નામથી ફૈઝાબાદમાં લોહિયા યુનિવર્સિટી, લખનઉમાં રામમનોહર લોહિયા નૅશનલ લૉ યુનિવર્સિટી, નવી દિલ્હીમાં વિલિંગટન હૉસ્પિટલ ૧૯૭૦થી રામમનોહર લોહિયા હૉસ્પિટલ તરીકે ઓળખાય છે. લખનઉમાં આવેલ મેડિકલ કૉલેજ ડૉ. રામમનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ તરીકે ઓળખાય છે. ૧૯૭૭માં ભારત સરકારે તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પાડી છે.
અંજના ભગવતી