જ. ૨૩ ડિસેમ્બર, ૧૮૪૫ અ. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૧
હિંદુ-મુસ્લિમ એકતા, રાષ્ટ્રીય કેળવણી, સ્ત્રીશિક્ષણ, વિધવાવિવાહ અને સ્વદેશી જેવા આદર્શોના હિમાયતી એવા રાસબિહારી ઘોષનો જન્મ બર્દવાન જિલ્લાના ટોરકોના ગામમાં થયો હતો. તેઓ ગાંધીજીના આગમન પહેલાંની કૉંગ્રેસના અગ્રગણ્ય નેતા હતા. માધ્યમિક શિક્ષણ બર્દવાનમાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક અને ૧૮૬૭માં કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયા. ૧૯૭૧માં ઑનર્સ ઇન લૉની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. એમ.એ.ની પરીક્ષામાં તેમણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ૧૮૭૯માં કૉલકાતા યુનિવર્સિટીમાં ફેલો નિમાયા. ૧૮૯૩-૯૫ના ગાળામાં યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની વિદ્યાશાખાના પ્રેસિડેન્ટ પણ બન્યા. તેમની ગણના બંગાળના પ્રખર શિક્ષણકાર તથા ધારાશાસ્ત્રી તરીકે થતી હતી. ૧૯૦૫માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. ૧૯૦૭માં સૂરત ખાતે તથા ૧૯૦૮માં ચેન્નાઈ ખાતે ભરાયેલા વાર્ષિક અધિવેશનના પ્રમુખ ચૂંટાયેલા. તેઓ ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલના પણ સભ્ય હતા. તેઓ ગોપાલ કૃષ્ણ ગોખલેના રાજનૈતિક વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. ૧૮૮૪માં કૉલકાતા વિશ્વવિદ્યાલયે તેમને ડૉક્ટર ઑવ્ લૉઝની પદવીથી સન્માન્યા હતા. ૧૯૦૮માં તૈયાર કરવામાં આવેલો સિવિલ પ્રોસિજર કોડ ખરડો તૈયાર કરવામાં તેમનો અમૂલ્ય ફાળો હતો. એક ધારાશાસ્ત્રી તરીકે તેઓ ખૂબ સફળ રહ્યા હતા. અઢળક સંપત્તિના માલિક એવા તેમણે પોતાની મોટા ભાગની સંપત્તિ શૈક્ષણિક હેતુ માટે દાનમાં આપી હતી. તેમણે આપેલા દાનમાંથી અનેક શિક્ષણસંસ્થાઓ ઊભી કરવામાં આવી હતી, જેમાં કૉલકાતા યુનિવર્સિટીની સાયન્સ કૉલેજ, જાદવપુર ટૅકનિકલ કૉલેજ, ટોરકોના જગબંધુ શાળાનો સમાવેશ થાય છે. તેમણે પોતાના ગામમાં શાળાઓ તથા હૉસ્પિટલ પણ શરૂ કરી હતી. બૅંગાલ કેમિકલ્સ અને ફાર્માસ્યૂટિકલ વર્કસની સ્થાપના કરવામાં પણ તેમણે રકમ દાનમાં આપી હતી. ૧૯૦૬-૨૧ દરમિયાન તેઓ નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનના પ્રમુખ હતા. તેમણે લખેલો ‘લૉ ઑવ્ મૉર્ટ્ગેજિઝ ઇન ઇન્ડિયા’ નામનો ગ્રંથ જાણીતો છે.
અમલા પરીખ