જ. ૨૬ માર્ચ, ૧૯૦૯ અ. ૧૦ જુલાઈ, ૧૯૯૨

પ્રાણીજીવન, કીટકજીવન અને વિજ્ઞાનનાં પુસ્તકો બાલભોગ્ય – કિશોરભોગ્ય શૈલીમાં આપનાર સાહિત્યકાર. તેઓએ વિજ્ઞાનને લોકભોગ્ય અને પ્રસિદ્ધ કરતાં કેટલાંયે પુસ્તકો અને લેખો લખ્યા હતા. તેમનો જન્મ પોરબંદર ખાતે થયો હતો. તેઓનું મૂળ નામ વિજયશંકર મુરારજી વાસુ હતું. તેમનાં લગભગ દસેક ઉપનામ હતાં, પણ જાણીતા થયા ‘વિજયગુપ્ત મૌર્ય’ના નામે. તેમણે માધ્યમિક શિક્ષણ ભાવિંસહજી હાઈસ્કૂલ, પોરબંદર ખાતે લીધેલું અને કાનૂનનું શિક્ષણ મુંબઈ ખાતે લીધું. ૧૯૩૩માં પોરબંદર પરત ફરી વકીલાત શરૂ કરી. ચાર વર્ષ પછી તેઓ બ્રિટિશ અદાલતમાં ન્યાયાધીશ બન્યા. ૧૯૪૪માં ડૉ. વસંત અવસરે નામના સ્વાતંત્ર્યસેનાની પોરબંદર આવ્યા અને પોતાનો કેસ લડવા માટે વિજયગુપ્ત મૌર્યને જણાવ્યું. જોકે તેઓ ત્યારે ન્યાયાધીશના હોદ્દા પર હોવાથી આ કેસ લડી શકે તેમ ન હતા. આથી તેમણે ન્યાયાધીશના હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને વકીલ તરીકે ડૉ. અવસરેનો કેસ હાથમાં લીધો. આ રીતે વિજયગુપ્ત મૌર્યની ન્યાયાધીશ તરીકેની કારકિર્દીનો અંત આવ્યો. ત્યારબાદ તેઓએ મુંબઈમાં રહેવાનો નિર્ણય કર્યો. તેઓએ ત્યાં ગોરધનદાસ શેઠની પેઢીમાં મહિને ૭૫ રૂ.ના પગારે ટાઇપિસ્ટ તરીકેની નોકરી લીધી. આર્થિક સમસ્યાઓ વચ્ચે પણ તેઓએ ‘પ્રકૃતિ’ સામયિક માટે લખવાનું શરૂ કર્યું. ત્યારબાદ ‘જન્મભૂમિ’ ગુજરાતી અખબાર માટે લખવાની તક મળી. તેઓએ ‘જન્મભૂમિ પ્રવાસી’ના છેલ્લા પાના પર પક્ષીઓ અને પ્રાણીઓ વિશે લેખ લખવાનું ચાલુ કર્યું. ત્યાર પછી તે આખું પાનું સંભાળતા. જેમાં તેઓએ વિજ્ઞાન, સમુદ્રસૃષ્ટિ, બ્રહ્માંડ, વનસ્પતિજગત એવા વિવિધ વિષયો પર રસપ્રદ માહિતીવાળી સામગ્રી લખાણમાં મૂકી. તેમનું પહેલું પુસ્તક ‘પ્રિન્સ બિસ્માર્ક’ (૧૯૫૩) ચરિત્રલક્ષી હતું. ઈ. સ. ૧૯૮૩માં ‘સરકસ ડૉક્ટરનાં રોમાંચક સાહસો’ તેમનું વિશિષ્ટ પ્રદાન છે. તેઓએ ગુજરાતીમાં વિજ્ઞાનનાં ઘણાં પુસ્તકો લખ્યાં હતાં. તેઓના પુત્રો નગેન્દ્ર અને ભારદ્વાજે પિતાની કારકિર્દી અપનાવી અને તેમનું કાર્ય આગળ ધપાવ્યું.
અંજના ભગવતી