વિજય તેંડુલકર


જ. ૬ જાન્યુઆરી, ૧૯૨૮ અ. ૧૯ મે, ૨૦૦૮

ભારતપ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર, પત્રકાર અને નિબંધકાર. સોળ વર્ષની ઉંમરે કારણોવશાત્ શિક્ષણ છોડવું પડ્યું પણ એક સંનિષ્ઠ શિક્ષક અનંત કાણેકરે વિજયની ક્ષમતાનો ખ્યાલ આવવાથી મરાઠી સંવાદકલાની સમજણ આપી અને તેંડુલકરની નાટ્યશક્તિને વેગ મળ્યો. આમ ૧૯૫૦થી ૧૯૬૦ દરમિયાન એમણે ઊગતા નાટ્યકાર તરીકે સ્થાન મેળવ્યું. પહેલું નાટક ૧૯૫૭માં લખ્યું, પણ મરાઠી અગ્રગણ્ય નાટ્યકાર તરીકે સ્થાન ‘અજગર આણિ ગંધર્વ’ ૧૯૬૬માં પ્રકાશિત થયું. તે રંગમંચ પર અનેક વાર ભજવાયું. ૧૯૬૭માં ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’ નાટકે ભારતીય નાટ્યકાર તરીકે પ્રતિષ્ઠા અપાવી. તે ચૌદ ભાષાઓમાં અનુવાદિત થયું છે. આધુનિક ભારતનાં શ્રેષ્ઠ નાટકોમાં તેમને સ્થાન મળ્યું છે અને સંગીતનાટક અકાદમીનું કમલાદેવી ચટ્ટોપાધ્યાય પારિતોષિક મળ્યું છે. મધ્યમવર્ગ અને બૌદ્ધિક વર્ગને છોડીને ગ્રામીણ અને તળપદી ભાષાના લોકનાટ્ય અને ‘તમાશા’ શૈલીનો પ્રયોગ કર્યો છે. ‘સખારામ બાઇન્ડર’ (૧૯૭૨) તથા ‘ગીધાડે’ (૧૯૬૧)માં પ્રતિબંધિત થયેલા પણ લાંબી કોર્ટની કાર્યવાહી પછી પ્રતિબંધ ઉઠાવાયેલો. તેમણે નાટકોમાં મરાઠી લોકસંગીતનો પણ પ્રયોગ કરી નાટકોને વધુ રસપ્રદ બનાવેલાં. આથી જ ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’ યુરોપ અને અમેરિકામાં પણ ભજવાયું હતું.

તેમણે ફિલ્મના ક્ષેત્રમાં પણ પ્રદાન કર્યું છે. તે માટે કથાનક તથા સંવાદો લખ્યાં છે. એમની ફિલ્મ ‘નિશાન્ત’, ‘આક્રોશ’, ‘આદત’, ‘ભૂમિકા’ અને ‘અર્ધસત્ય’ને રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાએ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. એમણે સમાચારપત્રોના તંત્રી તરીકે પણ નામના મેળવી છે. ‘મરાઠા’ તથા ‘લોકસત્તા’ પત્રોના તંત્રીલેખો માટે રાજ્ય સરકાર તરફથી પુરસ્કારો મળ્યા છે. તેમના નિબંધસંગ્રહો ‘રાતરાણી’ (૧૯૮૧) અને ‘ગોવ્યાચી ઉન્હે’(૧૯૮૨)ને મહારાષ્ટ્ર રાજ્ય તરફથી પુરસ્કાર મળ્યો છે. ૧૯૭૯માં તેમને રાષ્ટ્રીય નાટ્યસંસ્થાનના ઉપકુલપતિપદે નિયુક્ત કરવામાં આવેલા. પાંચ વર્ષ સુધી તે પદને શોભાવ્યું. ૧૯૮૪માં નાટકના ક્ષેત્રમાં મહત્ત્વના પ્રદાન માટે પદ્મભૂષણના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.

રાજશ્રી મહાદેવિયા