જ. ૨૫ માર્ચ, ૧૯૨૩ અ. ૧૧ માર્ચ, ૨૦૦૯

સત્યના અધિષ્ઠાન આધારિત અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક. જન્મ સમયે તેમનું નામ ‘દુર્ગા’ પાડેલું, પરંતુ પાછળથી વિધિવત્ ‘વિમલા’ નામ પાડવામાં આવ્યું. ત્યારબાદ અનુયાયીઓ અને પ્રશંસકોએ ‘વિમલાતાઈ’ નામ પ્રચલિત કર્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહારાષ્ટ્રના વર્હાડ પ્રદેશના અકોલા નગરમાં થયું હતું. ત્યારબાદ નાગપુરની મહિલા કૉલેજમાંથી બી.એ. તથા મૉરિસ કૉલેજમાંથી દર્શનશાસ્ત્રના વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. આ દરમિયાન મરાઠી તથા અંગ્રેજી નાટકોમાં અભિનય પણ કર્યો. સાથે વૉલીબૉલ, બાસ્કેટબૉલ તથા ખો ખો જેવી રમતોમાં પણ ભાગ લેતાં તથા વક્તૃત્વસ્પર્ધામાં પણ પુરસ્કાર મેળવતાં. કૉલેજમાંથી અમેરિકામાં યોજાયેલ ‘વર્લ્ડ ઍસેમ્બ્લી ઑફ યૂથ’માં આપણા દેશની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કર્યું તથા ‘વર્લ્ડ કાઉન્સિલ ઑફ યંગ વિમેનની વૈશ્વિક પરિષદમાં ભાગ લેવા ઉપરાંત તેના એક સત્રનાં અધ્યક્ષ પણ રહ્યાં હતાં. ‘યુનેસ્કો’ દ્વારા પ્રતિનિધિત્વ પ્રાપ્ત થતાં જિનીવા ખાતે યોજવામાં આવેલી યુવાપરિષદમાં પણ ભાગ લીધો હતો.
વિનોબાજીથી પ્રભાવિત હોવાથી પદયાત્રામાં પણ અચૂક જોડાતાં. આથી દાદા ધર્માધિકારી, વિનોબા, જયપ્રકાશ નારાયણ ઉપરાંત જે. કૃષ્ણમૂર્તિ સાથે વિચારમંથનની બેઠકોમાં ભાગ લેતાં. ૧૯૭૫માં જ્યારે દેશમાં કટોકટીની જાહેરાત થઈ ત્યારે જયપ્રકાશ નારાયણ સાથે વિરોધ કરનારાંઓમાં તેઓ પણ મોખરે હતાં. વિમલાતાઈએ કોઈ સંપ્રદાય, મઠ કે આશ્રમની સ્થાપના કરી નથી. તેઓ ઘણાં વર્ષોથી આબુ પર્વત પર એકાંતમાં નિવાસ કરતાં હતાં અને અધ્યાત્મ-ચિંતનમાં જ સમય પસાર કરતાં હતાં. ત્યાં એમણે એક સભાગૃહ બંધાવ્યું છે અને જરૂર પડે ચિંતન-બેઠકો, શિબિરો અને પરિસંવાદો યોજાય છે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત બિરાદરી, વિમલ પ્રકાશન અને જીવનયોગ ફાઉન્ડેશન જેવી પ્રવૃત્તિઓ ચાલતી. તેમના પ્રકાશિત ગ્રંથોમાં ૫૮ અંગ્રેજી, ૫૮ ગુજરાતી, ૪૩ હિંદી અને ૧૦ મરાઠી ભાષામાં છે. તેમના કેટલાક ગ્રંથો ડચ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન તથા સ્પૅનિશ ભાષામાં પણ છે. તેમાં ‘લિવિંગ અ ટ્રુલી રીલિજિયસ લાઇફ’ વિશેષ ધ્યાનાકર્ષક છે. ‘જીવનયોગ ગુજરાતી સામયિક, ‘જીવન પરિમલ’ હિંદી સામયિક અને ‘કૉન્ટેક્ટ વિથ વિમલા ઠકાર’થી તેમના ચિંતનનો પ્રસાર-પ્રચાર થતો રહેતો. તેમનાં પ્રવચનો અને પ્રશ્નોત્તરીની કૅસેટો પણ બહાર પાડવામાં આવેલી.
અશ્વિન આણદાણી