વી. શાંતારામ


જ. ૧૮ નવેમ્બર, ૧૯૦૧ અ. ૩૦ ઑક્ટોબર, ૧૯૯૦

ભારતીય ફિલ્મનિર્માતા, નિર્દેશક, અભિનેતા અને પટકથાલેખક તરીકે જાણીતા વી. શાંતારામને લોકો ‘શાંતારામ બાપુ’ અને ‘અન્નાસાહેબ’ તરીકે પણ ઓળખે છે. તેઓ હિન્દીની સાથોસાથ મરાઠી ફિલ્મોમાં પણ તેમના ઉત્તમ કામ માટે જાણીતા હતા. તેમનો જન્મ મરાઠી જૈન પરિવારમાં થયો હતો. શાંતારામ જાણીતા મરાઠી ફિલ્મદિગ્દર્શક માસ્ટર વિનાયકના મામાના પિતરાઈ ભાઈ હતા. આ માસ્ટર વિનાયક બોલિવુડની અભિનેત્રી નંદાના પિતા છે. કર્ણાટકમાં હુબલી ખાતે રેલવે વર્કશૉપમાં ફિટર તરીકે તેઓ જોડાયા હતા. જ્યાં તેમનો પગાર રોજના આઠ આના એટલે કે ૫૦ પૈસા હતો. તેમની અથાગ મહેનતથી પ્રભાવિત થઈને તેમનો પગાર રોજના બાર આના એટલે કે ૭૫ પૈસા કરવામાં આવ્યો હતો. સાંજે તેમણે હુબલી ખાતે ન્યૂ ડેક્કન સિનેમા થિયેટરમાં ડૉરકીપર તરીકે પણ કામ કર્યું હતું. જોકે આ કામ માટે તેને કોઈ ચુકવણી કરવામાં આવતી ન હતી, પરંતુ તેમને બધી ફિલ્મો મફતમાં જોવાની છૂટ હતી. ત્યાં તેમણે ભારતીય સિનેમાના પિતા દાદાસાહેબ ફાળકેની ફિલ્મો જોઈ અને ફિલ્મક્ષેત્રે આગળ વધવાનો જુસ્સો કેળવ્યો. તેઓ ફોટોગ્રાફી અને સાઇન બોર્ડ પેઇન્ટિંગ પણ શીખ્યા હતા.

વી. શાંતારામે અભિનેતા તરીકે ‘સુરેખાહરણ’ (૧૯૨૧), ‘સ્ત્રી’ (૧૯૬૧) અને ‘દો આંખે બારહ હાથ’ (૧૯૫૭) જેવી છ ફિલ્મોમાં અને નિર્માતા તરીકે ‘ભક્તિમાલા’ (૧૯૪૪), ‘સેહરા’ (૧૯૬૩) અને ‘જલ બિન મછલી નૃત્ય બિન બિજલી’ (૧૯૭૧) જેવી ૧૦ ફિલ્મોમાં સરસ કામ કર્યું હતું. તેમણે દિગ્દર્શક તરીકે મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીની ‘નેતાજી પાલકર’ (૧૯૨૭)માં, પ્રભાત ફિલ્મ કંપનીની ‘ગોપાલકૃષ્ણ’, ‘ધર્માત્મા’, ‘માનુસ’, ‘આદમી’ અને ‘પડોસી’ જેવી ૧૯ ફિલ્મોમાં અને રાજકમલ કલામંદિરની ‘ભગવાનદાસ પટેલ’થી માંડી ‘અપના દેશ’ અને ‘તીન બત્તી ચાર રસ્તા’ જેવી ૨૧ ફિલ્મોમાં અદભુત સેવા આપી છે. ૧૯૫૨થી ૧૯૫૯ સુધીમાં જુદા જુદા ૯ ઍવૉર્ડ અને ચંદ્રક પ્રાપ્ત કરેલ વી. શાંતારામને ૧૯૮૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અને ૧૯૯૨માં પદ્મવિભૂષણ(મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૭ નવેમ્બર, ૨૦૦૧ના રોજ તેમને સમર્પિત એક ટપાલટિકિટ ભારતીય ડાક વિભાગે બહાર પાડી હતી.

અશ્વિન આણદાણી