શરીરની ઘડિયાળના કાંટાનો


અવાજ સાંભળીએ ——–

સમય બતાવતી ઘડિયાળ જોનારા માનવીએ શરીરની ઘડિયાળ પણ જોવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ સમયની ઘડિયાળ સાથે શરીરની ઘડિયાળને કચકચાવીને બાંધી દે છે. એ નિર્ધાર કરે છે કે ગમે તે થાય, તોપણ સવારે પાંચ વાગે ઊઠી જવું અને ઠંડા પાણીએ સ્નાન કરવું. કડકડતી ઠંડી હોય તોપણ એ કોઈ જક્કી કે હઠાગ્રહીની માફક પોતાના ‘સંકલ્પ’નું પાલન કરે છે. આમ કરવાની એના શરીરને નામરજી હોય, તો એ શરીરને ચાબુક મારીને જગાડે છે અને કોઈ સરમુખત્યારની માફક એને શિયાળામાં ઠંડા પાણીએ સ્નાન કરાવે છે. ઊંઘ અધૂરી રહેતી હોય, શરીરનો થાક ઊતર્યો ન હોય તોપણ એ નિયમભંગ કરવા ચાહતો નથી, નિયમ એટલે નિયમ. એમાં ક્યારેય ટસથી મસ થવાનું ન હોય એમ માનનારા લોકો જીવનની સ્ફૂર્તિ અને આનંદને ગુમાવે છે અને નિયમની જડતાને પકડી ઊછળકૂદ કરતા હોય છે. અધૂરી ઊંઘને કારણે એમના સ્વભાવમાં અકળામણ આવશે, દિવસ દરમિયાન એ અકળામણ ગુસ્સાનું સ્વરૂપ લેશે. શરીરને પૂરતો આરામ મળતો નહીં હોવાથી એ વહેલા થાકી જશે, પરંતુ બધી બાબતમાં એ સમયની ઘડિયાળને પૂછે છે, શરીરની ઘડિયાળની કોઈ પરવા કરતા નથી. હકીકતમાં વ્યક્તિએ નિદ્રાનો સમય નક્કી કરવા માટે ઘડિયાળના કાંટાને નહીં, પણ પોતાના શરીરની ઘડિયાળને પૂછવું જોઈએ. શરીરની ઘડિયાળ બરાબર ચાલે તે માટે સમયની ઘડિયાળના પાવરને બદલે અહીં આરામ અને પૂરતી નિદ્રાની જરૂર છે. વ્યક્તિએ પોતાના શરીરની ઘડિયાળને લક્ષમાં રાખીને નિદ્રાનો સમય નક્કી કરવો જોઈએ. ક્યારે ઊઠવું અને ક્યારે સૂઈ જવું, એ ઘડિયાળને બદલે શરીરના હાથમાં સોંપવું જોઈએ.

કુમારપાળ દેસાઈ