શામળાજી


ગુજરાત રાજ્યનાં જાણીતાં વૈષ્ણવ તીર્થોમાંનું એક. તે ૨૩° ૪૧´ ઉ. અ. અને ૭૩° ૨૩´ પૂ. રે. વચ્ચે મેશ્વો નદીને કાંઠે અરવલ્લી જિલ્લામાં આવેલું છે. પ્રાચીન કાળમાં તે ‘હરિશ્ચંદ્રપુરી’, ‘રુદ્રગયા’, ‘ગદાધરક્ષેત્ર’ વગેરે નામે ઓળખાતું હતું.

શામળાજીનું મુખ્ય મંદિર ભગવાન ગદાધરનું છે. બે મોટા હાથીનાં શિલ્પવાળાં દ્વારેથી પ્રવેશતાં વિશાળ પ્રાંગણમાં ૫૦૦ વર્ષ જૂનું ભવ્ય મંદિર આવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત ત્રિવિક્રમ સ્વરૂપની શ્યામ રંગની વિષ્ણુની પ્રતિમા છે. લોકો તેને ‘શામળિયા દેવ’ – ’કાળિયા દેવ’ તરીકે પૂજે છે. મંદિરની શિલ્પકલા અનન્ય છે. મંદિર મહાપીઠ પર ઊભું છે. આ મહાપીઠ ગજથર અને નરથર વગેરે શિલ્પથરો વડે સુશોભિત છે. ગર્ભગૃહની બહારની દીવાલ પણ વિવિધ થરો વડે અલંકૃત છે. મંડપની અંદરની છતને પણ સુંદર શિલ્પથરોથી સજાવવામાં આવી છે. છતને ફરતા ૧૬ ટેકાઓ નૃત્યાંગનાઓના શિલ્પથી શોભે છે. મધ્યમાં ગદાધરની મૂર્તિ છે. મંદિરને સુંદર શિલ્પોથી શણગારવામાં આવ્યું છે. શિલ્પોમાં ભૂમિતિની ફૂલવેલો, પ્રાણીઓ, માનવો અને દેવ-દેવીઓની તેમ જ ભૌમિતિક આકૃતિઓની કોતરણી છે. પીઠના નરથરમાં રામાયણ, મહાભારત અને ભાગવત આદિ પુરાણોના પ્રસંગો કંડારવામાં આવ્યા છે. શિખરની ઉપર અગ્નિખૂણે ધ્વજ છે.

ગદાધરના મંદિર ઉપરાંત અહીં ત્રિલોકનાથ, રણછોડજી, રઘુનાથજી, ગણેશ અને કાશી વિશ્વનાથનાં મંદિરો, હરિશ્ચંદ્રની ચૉરી વગેરે આવેલાં છે. હરિશ્ચંદ્રની ચૉરી નામના પ્રાચીન મંદિરની સન્મુખે આવેલું તોરણ ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ છે. કર્માબાઈનું તળાવ, નાગધરો, પ્રાચીન કિલ્લો, પ્રાચીન વાવ નજીક આવેલો સર્વોદય આશ્રમ વગેરે જોવાલાયક છે. ‘કળશી છોરાંની મા’ નામની વિષ્ણુમૂર્તિ પ્રસિદ્ધ છે અને આદિવાસી સ્ત્રીઓ તેની વિશેષભાવે પૂજા કરે છે. શામળાજી પાસે દેવની મોરીના સ્થળેથી એક બૌદ્ધ મહાસ્તૂપ અને વિહારના અવશેષો મળી આવ્યા છે. સ્તૂપના પેટાળમાંથી પથ્થરનું એક અસ્થિપાત્ર મળી આવ્યું છે, જેમાં ભગવાન બુદ્ધના અવશેષો સચવાયેલા છે. ગુજરાતમાં બૌદ્ધ ધર્મના સૌથી પ્રાચીન આ અવશેષો છે અને તે હાલ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના સંગ્રહાલયમાં સચવાયેલા છે. વળી શામળાજીની આસપાસથી ક્ષત્રપકાલ અને ગુપ્તકાલનાં છૂટાં શિલ્પો પણ પ્રાપ્ત થયાં છે. શામળાજીમાં દર વર્ષે કારતકી પૂનમના રોજ મેળો ભરાય છે. અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, ઉદયપુર, ડુંગરપુર અને વાંસવાડાના આદિવાસીઓ આ મેળામાં ઉત્સાહથી ભાગ લે છે. યાત્રીઓ-પર્યટકો માટે અહીં રહેવાજમવાની સગવડો છે.

અમલા પરીખ