શાહમૃગ


આજે હયાતી ધરાવતું સૌથી મોટા કદનું પક્ષી.

શાહમૃગ પૂર્વ અને દક્ષિણ આફ્રિકાનાં ડુંગર, રણ અને વનસ્પતિની અછત હોય તેવા શુષ્ક પ્રદેશોમાં વસે છે. નર શાહમૃગની ઊંચાઈ ત્રણ મીટર અને વજન ૧૫૦ કિલોગ્રામ જેટલું હોય છે. નર શાહમૃગ દેખાવમાં સુંદર હોય છે. તે સફેદ અને કાળા રંગનાં પીંછાં ધરાવે છે, જ્યારે માદાનાં પીંછાં રંગે ભૂખરાં હોય છે. શાહમૃગના પગ લાંબા અને મજબૂત હોય છે. તેની ડોક લાંબી અને માથું નાનું હોય છે. ડોક, માથું તથા પગ પીંછાં વગરનાં હોય છે. તેની પાંખો નાની હોય છે.

ટૂંકી પાંખો હોવાથી શાહમૃગ ઊડી શકતું નથી; પણ તે દોડવામાં પાવરધું છે. તે કલાકના ૭૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. તેના પગમાં બે આંગળાં હોય છે. બે આંગળાં ધરાવતું આ એક જ પક્ષી છે. પગથી તે જોરદાર લાત લગાવી શકે છે. તેનું ઉત્સર્જનતંત્ર અંશત: સસ્તન પ્રાણીઓના ઉત્સર્જનતંત્રને મળતું આવે છે. શાહમૃગના ભક્ષક સિંહ, ચિત્તો, શિકારી કૂતરા, જરખ વગેરે છે. ચિત્તા સિવાયના બીજા ભક્ષકોથી તે વધારે ઝડપથી દોડી શકે છે અને તે રીતે બચી જાય છે. જરૂર પડે તો તેના પગથી જોરદાર લાત મારીને પણ તે પોતાનું તથા પોતાનાં ઈંડાં કે બચ્ચાંનું રક્ષણ કરે છે. તે લાત મારીને સિંહને પણ હંફાવી શકે છે. શાહમૃગનો ખોરાક વનસ્પતિ તથા ગરોળી, કાચિંડા, કાચબા જેવાં નાનાં પ્રાણીઓ છે. તેને દાંત હોતા નથી (આમેય પક્ષીઓને દાંત હોતા નથી.), તેથી ખોરાક ગળી જાય છે. તેના પાચન માટે તે રેતી અને કાંકરા ખાય છે ! તે પાણી વગર લાંબો સમય ચલાવી શકે છે.

શાહમૃગ ભય લાગે ત્યારે રેતીમાં માથું છુપાવી પોતે સુરક્ષિત હોય તેવું માને છે. તે વાત બિલકુલ વજૂદ વગરની છે. તે ક્યારેક ભક્ષકની નજરથી બચવા રેતીમાં ડોક લંબાવીને બેસી જાય છે. આથી દૂરથી તે રેતીના ઢગલા જેવું દેખાય છે તો ક્યારેક રેતી અને કાંકરા મેળવવા રેતીમાં મોઢું નાખે છે તેથી ઉપર્યુક્ત ભાસ થાય છે. સંવનન-ૠતુમાં શાહમૃગ ટોળામાં ફરે છે. તેમાં પથી ૧૦૦ જેટલી સંખ્યા હોય છે. જ્યારે વરસાદની અછત હોય ત્યારે પણ તે ઝિબ્રા કે હરણ જેવાં ઘાસ ચરતાં પ્રાણીઓની જોડે વિચરે છે.

નર શાહમૃગ રેતીમાં દર ખોદી માળો બનાવે છે. તેમાં તેની દરેક માદા ૧૦થી ૧૨ ઈંડાં મૂકે છે. શાહમૃગનાં ઈંડાં બધાં પક્ષીઓનાં ઈંડાં કરતાં મોટા કદનાં હોય છે. તે ૧.૫ કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે. માદા ભૂખરા રંગની હોય છે અને તે દિવસે ઈંડાં સેવે છે આથી ભક્ષકની નજરે પડતી નથી, જ્યારે રાતના અંધારામાં કાળો રંગ ધરાવતા નરનો વારો ઈંડાં સેવવાનો હોય છે. ૫થી ૬ અઠવાડિયાં બાદ બચ્ચાં જન્મે છે.

શાહમૃગનું આયુષ્ય ૭૦ વર્ષ જેટલું હોય છે. તેનાં આકર્ષક પીંછાંથી વસ્ત્રો અને હૅટને સુશોભિત કરાય છે. પીંછાં માટે તેનો શિકાર થાય છે. આ બધાં કારણોસર એશિયામાં વસતાં શાહમૃગો નાશ પામ્યાં છે.

શાહમૃગ સારું દોડતાં હોવાથી, તેની ઉપર ઘોડાની જેમ સવારી પણ કરાય છે ! ક્યારેક મનોરંજન માટે શાહમૃગની દોડ-સ્પર્ધા યોજાય છે. દક્ષિણ અમેરિકામાં શાહમૃગને મળતું આવતું રીહા પક્ષી જ્યારે ઑસ્ટ્રેલિયામાં એમુ પક્ષી જોવા મળે છે. આ પક્ષીઓ ઊડી શકતાં નથી પણ શાહમૃગની જેમ દોડવામાં પાવરધાં હોય છે. ન્યૂઝીલૅન્ડમાં શાહમૃગને મળતું મોઆ પક્ષી જોવા મળતું, જે હવે નામશેષ થઈ ગયું છે. આ પક્ષી શાહમૃગ કરતાં પણ ઊંચું હતું.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી