શિયાળ


કૂતરાને મળતું આવતું વન્ય સસ્તન પ્રાણી.

ભારતમાં લગભગ બધી જગાએ શિયાળ જોવા મળે છે. ગામના પાદરે, શહેર-વિસ્તારમાં, નિર્જન ઝાડી કે ગીચ જંગલમાં શિયાળ વસે છે. હિમાલયમાં અને ભરતી-ઓટવાળા પ્રદેશમાં પણ શિયાળ જોવા મળે છે. લોંકડી એ શિયાળને મળતું પ્રાણી છે. ગામના પાદરે રાત્રે તેની કિકિયારી (લાળી) ઘણી વાર સંભળાય છે. લોંકડી કે શિયાળ કૂતરાની માફક પાળી શકાતાં નથી.

શિયાળ વરુ અને કૂતરા કરતાં કદમાં નાનું પ્રાણી છે. તેના શરીર પરની રુવાંટી ભૂખરા અને સોનેરી કે બદામી રંગની હોય છે. પેટ, કાન અને પગનો ભાગ બદામી જ્યારે ગળાનો, પીઠનો અને કાનનો બહારનો ભાગ કાળાશ પડતા સફેદ રંગનો હોય છે. શિયાળ માંસાહારી તેમ જ શાકાહારી હોવાથી તેને બંને પ્રકારના દાંત હોય છે. શિયાળને પાતળા પગ અને લાંબી, ગુચ્છાદાર પૂંછડી હોય છે. શિયાળનો મુખ્ય ખોરાક ફળ, કંદમૂળ, કીટકો, નાનાં પ્રાણી કે પક્ષીઓ હોય છે. મોટા પ્રાણીએ જે પ્રાણીનો  શિકાર કર્યો હોય તેના શબના બચેલા ભાગને તે આરોગે છે. ખાતાં વધે તો તે ક્યારેક દાટીને સાચવી રાખે છે અને જરૂર પડે ત્યારે ખોદીને તે આરોગે છે ! ભરતી-ઓટના પ્રદેશમાં રહેતાં શિયાળ માછલી, કરચલા વગેરે ખાય છે. ગામને પાદરે રહેતાં શિયાળ શાકભાજીની વાડીમાંથી શેરડી, તરબૂચ અને કાકડી ખાય છે. રાત્રે ખાઈને સવારે બોડ કે બખોલમાં ભરાઈને સૂઈ જાય છે.

શિયાળ સહેલાઈથી લાંબું અંતર દોડી શકે છે. શિયાળની જોડી જિંદગી પર્યંત સાથે હોય છે. માદા શિયાળ ૩થી ૪ બચ્ચાંને જન્મ આપે છે. નર અને માદા બંને બચ્ચાંની સંભાળ લે છે. બચ્ચાં જન્મે ત્યારે નિ:સહાય, બંધ આંખોવાળાં હોય છે. તેથી શિયાળ-માવતર બચ્ચાંને એકલાં મૂકતાં નથી. માતાનું દૂધ પીને બચ્ચાં મોટાં થાય છે. બાળવાર્તાઓમાં સામાન્ય રીતે શિયાળની ઓળખાણ લુચ્ચા-ખંધા પ્રાણી તરીકે અપાય છે, પણ ખરેખર તે કુટુંબભાવના ધરાવતું, બચ્ચાંની ખૂબ માવજત કરતું માયાળુ પ્રાણી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી