ભારતના પૂર્વ ભાગમાં આવેલા મેઘાલય રાજ્યનું પાટનગર.
તે ૨૫ ૩૪´ ઉ. અ. અને ૯૧ ૫૩´ પૂ. રે. પર આવેલું છે. અગાઉ તે આસામ રાજ્યનું પાટનગર હતું. શિલોંગ ભારતનાં ઈશાની રાજ્યોમાં આવેલાં બધાં જ શહેરો પૈકી સૌથી મોટું શહેર છે.
તેની રમણીયતાને લીધે શિલોંગ અને તેની આજુબાજુનો પ્રદેશ ‘સ્કૉટલૅન્ડ ઑવ્ ઈસ્ટ’ તરીકે પ્રખ્યાત બન્યો છે. રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લાનું તે વડું વહીવટી મથક છે. તેની વસ્તી લગભગ ૩,૫૪,૦૦૦ (૨૦૧૧ મુજબ) જેટલી છે.
શિલોંગ ખાસીની ટેકરીઓથી બનેલા ઉચ્ચપ્રદેશ પર સમુદ્રસપાટીથી ૧,૪૭૦ મીટરની ઊંચાઈએ વસેલું છે. શિલોંગ પૉઇન્ટ અહીંનું સર્વોચ્ચ શિખર છે. ઉમિખેમ, ઉમિયામ અને ઉમસિયાંગ અહીંની મુખ્ય નદીઓ છે. શિલોંગના ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી આ નદીઓ બ્રહ્મપુત્ર કે સુરમા નદીને મળે છે. અહીંની આબોહવા ગરમ-ભેજવાળી છે. બંગાળના ઉપસાગર પરથી વાતા ભેજવાળા પવનો વર્ષાૠતુ દરમિયાન અહીં પુષ્કળ વરસાદ આપે છે. અહીં મળી આવતાં ખનિજોમાં કોલસો, ચૂનાખડકો અને અમુક પ્રમાણમાં લોહઅયસ્કનો સમાવેશ થાય છે. ઇમારતી લાકડાં, ખાદ્યપાકો અને બટાકાનું મુખ્ય બજાર અહીં વિકસ્યું છે. તે ઉપરાંત અહીં ડેરીની પેદોશો, ફળો તથા રેશમનું ઉત્પાદન થાય છે.
આ શહેર ખાતે સિમેન્ટનાં કારખાનાં; કાંડાઘડિયાળ (HMT), દવાઓ, જંતુનાશક દવાઓ, વીજળીનાં સાધનો તથા દારૂ બનાવવાના એકમો આવેલા છે. આ શહેરમાં અનેક હોટલો તેમ જ ગૉલ્ફનું મેદાન આવેલાં છે. અહીં વિવિધ વિદ્યાશાખાઓ ધરાવતી યુનિવર્સિટી પણ છે. ચિકિત્સાલયો સહિતની તબીબી સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે.
ભારતનો ૪૦ નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ શહેરમાંથી પસાર થાય છે.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી
અમલા પરીખ