શિસ્ત


આખા સમાજની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે ઘડાયેલા નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાની વૃત્તિપ્રવૃત્તિ, જેનો ભંગ એ અશિસ્ત ગણાય છે.

શિસ્તનું સ્વરૂપ ક્ષેત્ર પ્રમાણેનું હોવાનું. લશ્કરમાં શિસ્તનું ચુસ્ત પાલન એ ગુણ ગણાશે, કારણ કે તેમાં જીવન-મરણનો પ્રશ્ન હોય છે. નોકરી, ધંધો, ઉદ્યોગમાં અન્યની સુવિધા, કાળજી અને સન્માન જાળવવા વિવેકપુર:સરનું નિયમપાલન જરૂરી હોય છે. ઘર, શાળા અને મનુષ્યત્વના વિકાસની પ્રવૃત્તિઓમાં શિસ્ત પ્રેમાધારિત અને ગુણવિકાસ તથા સંવાદી જીવન માટે હોય છે.

શિસ્ત ન હોય તો અરાજક્તા ફેલાય. વળી એકલી શિસ્તને જડતાપૂર્વક મહત્ત્વ અપાય તો એ ત્રાસરૂપ બની જાય છે. એટલે કટોકટી, યુદ્ધ કે લશ્કર સિવાયના રોજબરોજના જીવનમાં શિસ્ત સહજ વલણ રૂપે પ્રગટ થાય એ ઇષ્ટ સ્થિતિ છે. જે પ્રજા સ્વેચ્છાએ શિસ્ત જાળવે છે, સૌ માટે ઘડાયેલા નિયમો સ્વેચ્છાએ પાળે છે તે વધુ વિકસિત ગણાય છે. મનુષ્ય એકલો રહેતો હોય તો શિસ્તના પ્રશ્નો ઉદભવતા નથી; પરંતુ મનુષ્ય સમાજમાં  રહે છે, વિવિધ પ્રકારના માનસવાળા લોકો સાથે રહે છે એથી બીજાને અગવડ કે પ્રતિકૂળતા ન થાય તેવો વ્યવહાર કરવા શિસ્ત જરૂરી છે. જીવનનાં તમામ ક્ષેત્રોમાં સ્વૈચ્છિક શિસ્તપાલન હોવું જોઈએ.

ટ્રાફિક સિગ્નલ શિસ્તનો એક ભાગ

શિસ્ત કોઈક વાર વ્યક્તિને પ્રતિકૂળ પણ લાગે; પરંતુ આખો સમાજ એ નિયમનું પાલન કરશે તો દરેક વ્યક્તિને માટે સુવિધાભર્યું, સલામત અને સંવાદી જીવન શક્ય બનશે. વ્યક્તિગત ઇચ્છા અને સામાજિક નિયમો વચ્ચે ઘર્ષણ થાય ત્યારે અશિસ્ત સર્જાય છે. એટલે વિવેક કરવો પડે છે કે કેટલીક વ્યક્તિગત બાબતમાં સ્વાતંત્ર્ય હોય અને સમાજસંબંધિત બાબતોમાં સૌનું નિયમપાલન હોય. સૌએ ટિકિટ લઈને મુસાફરી કરવી, વાજબી કરવેરા ચોકસાઈથી ભરવા, પોતાની જવાબદારીનું નિષ્ઠાથી પાલન કરવું, ટ્રાફિકના નિયમો પાળવા, જાહેર સ્થાનની સ્વચ્છતા જાળવવી, સમયપાલન કરવું –આ સઘળાંનું પાલન થાય તો આખા સમાજને લાભ થાય છે. શિસ્ત બે પ્રકારની ગણી શકાય : (૧) કાયદા કે નિયમો રૂપે નિશ્ચિત થયેલ કામો કે વ્યવહારો. (૨) પ્રણાલી, પરંપરા રૂપે કે ગુણવિકાસ માટે સ્થિર થયેલા વ્યવહારો. જે પ્રજા કાયદા કે નિયમોનું સ્વેચ્છાએ પાલન કરે તે વિકસિત ગણાય. જે પ્રજા પરંપરા કે પ્રણાલી કે જીવનની ગુણવત્તા જાળવવા અમુક આચારો સ્થિર કરે અને તેનું પાલન કરે એ સમજદાર ગણાય. બાળકોની કાળજી, બહેનોનું સન્માન, વૃદ્ધોનો આદર –એ નિયમો નથી, પરંતુ સમાજના સ્વાસ્થ્ય માટેની શિસ્ત છે. જ્યાં નિયમો કે કાયદા છે ત્યાં હંમેશાં સજા, દંડ કે કેદ જોડાયેલાં હોય છે; કારણ કે એમાં આખા સમાજ માટેના નિયમોની જાળવણી કરવાનો ખ્યાલ હોય છે. એમાં ફરજિયાતપણું હોય છે. વાહન ડાબી બાજુ ચલાવવું, ચાર રસ્તે લાલ બત્તી હોય તો અટકવું – એ નિયમનો ભંગ અરાજકતા સર્જે છે એટલે તેની સાથે દંડ કે સજા જોડાયેલાં હોય છે. પરંતુ આખો સમાજ કેવળ દંડ કે સજાથી જીવી શકે નહિ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શિસ્ત, પૃ. 300)

રાજશ્રી મહાદેવિયા

મનસુખ સલ્લા