ગુરુ નાનક દ્વારા સ્થપાયેલો ધર્મ.
શીખ એટલે શિષ્ય. ‘સિક્ખ’ શબ્દ સંસ્કૃત ‘શિષ્ય’ ઉપરથી ઊતરી આવેલો છે. કેટલાક માને છે કે પાલિ ‘સિખ’ (પસંદ કરેલા) પરથી એ બન્યો છે. ગુરુ ગોવિંદસિંહે ‘ખાલસા’ નામ આપ્યું. ‘ખાલસા’ શબ્દ મૂળ ફારસી ‘ખાલીસહ’ – પાદશાહની પોતાની માલિકીનું – એ પરથી બનેલો છે. તેનો પણ આવો જ અર્થ ગણી શકાય. ભારતમાં શીખ ધર્મની સ્થાપના ઈ. સ.ના ૧૬મા સૈકામાં ગુરુ નાનકે (૧૪૬૯-૧૫૩૯) કરી. તેમાં હિન્દુ-ઇસ્લામ ધર્મોનાં શુભ તત્ત્વોનો સમન્વય થયેલો જણાય છે. પંજાબમાં ગુરુ નાનકના જન્મસમયે રાજકીય જુલમ, અજ્ઞાન, અસત્ય અને વહેમ ફેલાયેલાં હતાં. તેમણે સમભાવપૂર્વક હિન્દુ-મુસ્લિમ સૌને માર્ગદર્શન આપ્યું અને પ્રેમ અને નિર્ભયતાથી સૌના પ્રેમ અને આદરપાત્ર બન્યા. ‘ગુરુ નાનક શાહ ફકીર, હિન્દુ કા ગુરુ, મુસલમાનકા ફકીર’; ‘બાબા નાનક સબકા સાંઝા (સખા)’ જેવાં સૂત્રો પ્રચલિત થયાં. એકેશ્વરવાદ, ભ્રાતૃત્વ, ઐક્યની ભાવના, મૂર્તિપૂજા કે વ્રત-ઉપવાસ જેવા ક્રિયાકાંડ કરતાં આચારની શુદ્ધિનો ઉપદેશ અને ‘એક સત્’ નામ – ઈશ્વરના નામનો જપ કરવો – એ આ ધર્મનાં વિશિષ્ટ લક્ષણો છે. ગુરુ અર્જુનસિંહની શહીદી પછી એ નિર્ભય પંથ બન્યો. અને ગુરુ ગોવિંદસિંહે સ્થાપેલા ખાલસા પંથ સાથે એનો વિકાસ પરિપૂર્ણ થયો એમ કહેવાય. તેમણે ‘પંજ પ્યારે’ રૂપે પાંચ અડગ શિષ્યોની વરણી કરી. શીખોને પાંચ ‘ક’ રાખવાનો આદેશ અપાયો : કચ્છ, કેશ, કડું, કંઘી અને કિરપાણ. દરેક શીખના નામમાં ‘સિંહ’ અને મહિલાના નામમાં ‘કૌર’ જોડવાનો આરંભ થયો.

અમૃતસરનું સુવર્ણમંદિર
શીખ ધર્મના ૧૦ ગુરુઓ છે. ગુરુ ગોવિંદસિંહે પોતાના અવસાન-સમયે ‘ગુરુ ગ્રંથસાહેબ’નો વિધિપુર:સર અભિષેક કર્યો. અને ‘ગુરુ ગ્રંથસાહેબ’ને ગુરુનું સ્થાન મળ્યું. તે શીખ ધર્મનો મુખ્ય – મૂળભૂત ગ્રંથ છે. આ ગ્રંથનું સંકલન પાંચમા ગુરુ અર્જુનદેવે ખૂબ મહેનત અને કાળજીપૂર્વક કરેલું. તેમાં ગુરુઓનાં લખાણ, ભક્તો અને સંગીતકારોની રચનાઓ પણ છે. પ્રભાતમાં તેનું જે પાનું ખોલે અને શબ્દ (‘શબદ’) વાંચવામાં આવે તે શીખો માટે તે દિવસની આજ્ઞા બને છે. શીખ ધર્મમાં સદગુરુનો મહિમા ઘણો છે. પ્રભુ ગુરુની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે. મનુષ્યયોનિ સર્વશ્રેષ્ઠ છે. તેથી મનુષ્ય તરીકે જન્મ મળ્યા પછી મનુષ્યે મુક્તિ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. મનુષ્યજીવનનું લક્ષ્ય છે કે અહંકારરૂપી દીર્ઘ રોગમાંથી મુક્ત થવું. અને એ માટે ગુરુના ઉપદેશ પ્રમાણે આચરણ, નામજપ, સત્સંગ વગેરે કરવાં. પ્રામાણિકપણે મહેનત કરીને ખાવું અને એમાંથી બીજાને પોતાના હાથે આપવું એ જ ધર્મનો માર્ગ છે. શીખ ધર્મમાં તમાકુનો, નશો કરનારી વસ્તુઓના સેવનનો, પરસ્ત્રીગમનનો, પુત્રીને દૂધ પીતી કરવાનો તથા સતી થવાની પ્રથાનો નિષેધ છે. શીખ ધર્મ સંન્યાસીના જીવન કરતાં પવિત્ર ગૃહસ્થજીવનને વધારે મહત્ત્વ આપે છે. આવકના દશાંશનું દાન કરવું, મહેનત કરી ગુજરાન ચલાવવું, જ્ઞાતિભેદ ન રાખવો, સૌને માન આપવું, સ્ત્રીપુરુષને સમાન ગણવાં, શસ્ત્ર વાપરવામાં કુશળતા પ્રાપ્ત કરવી, સત્ય-મધુર વચન બોલવું, કાર્યારંભે પ્રભુનું સ્મરણ કરવું વગેરે આચારોનું વિધાન છે. શીખોમાં પ્રભુનું ‘વાહિ ગુરુ’ નામ જપ અને સ્મરણ માટે પ્રચલિત છે. ‘વાહિ ગુરુ’નો અર્થ છે ‘વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો.’
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શીખ ધર્મ, પૃ. ૩૦૨)
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી
અમલા પરીખ