શેરડી


ધાન્ય કુળની એક ઊંચા તૃણસ્વરૂપવાળી વનસ્પતિ.

તેના સાંઠા જુદી જુદી જાડાઈ અને આછા કે ઘેરા લીલાથી માંડી ઘેરો પીળો, રતાશ પડતો કે જાંબલી રંગ ધરાવે છે. આ સાંઠામાં રેસા ઓછા અને ખાંડ (સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ) વધારે હોય છે. તેનાં પાન સાદાં, મોટાં, લાંબાં-સાંકડાં, પટ્ટી આકારનાં અને એકાંતરે ગોઠવાયેલાં હોય છે. પુષ્પોનો સમૂહ મોટો અને પીંછાં જેવો હોય છે. શેરડી તીવ્ર પ્રકાશમાં પણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકે છે. તેનો પ્રકાશસંશ્લેષણનો દર વધારે ઝડપી હોવાથી તે ઘણું વધારે ઉત્પાદન આપે છે. તેના પાકને ગરમ ભેજવાળી આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૭૫૦-૧૦૦૦ મિમી. વરસાદવાળા વિસ્તારની આબોહવા સૌથી ઉત્તમ ગણાય છે. તે સારી નિતારવાળી મધ્યમ કાળી કે ગોરાડુ જમીનમાં સારી રીતે થાય છે. વધારે ક્ષારવાળી ઍસિડિક જમીન શેરડી માટે અનુકૂળ આવતી નથી. શેરડીના રસમાં ખાંડનું પ્રમાણ ૧૨-૧૫ % જેટલું અને તેની સારી જાતોમાં લગભગ ૨૦-૨૧ % જેટલું હોય છે. શેરડીના રસમાં વિટામિન B-સંકુલ અને વિટામિન D સારા પ્રમાણમાં હોય છે.

શેરડીનું ખેતર

તે એક લાંબા ગાળાનો અગત્યનો રોકડિયો પાક છે. કૃષિ-આધારિત કાપડ-ઉદ્યોગ પછી ખાંડ-ઉદ્યોગ બીજા ક્રમે આવે છે. દુનિયામાં થતા ખાંડના ઉત્પાદન પૈકી લગભગ ૬૦ % ખાંડ શેરડીમાંથી બને છે. શેરડીમાંથી ખાંડ અને ગોળ પ્રાપ્ત કર્યા પછી આશરે ૩૦-૩૫ % જેટલા શેરડીના કૂચા મળે છે. આ કૂચાઓનો ઊર્જાના સ્રોત તરીકે અને બળતણ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. કૂચામાંથી પૂંઠાં, ફિલ્ટર-પેપર વગેરે બને છે. કૂચામાંથી મળતી રાખ ખાતર તરીકે વાપરવામાં આવે છે. રાખમાંથી ઊંચી ગુણવત્તાવાળા ગ્લાસ બનાવી શકાય છે. ગોળની રસી (મૉલૅસિઝ) સૌથી સસ્તો કાર્બોદિત પદાર્થનો સ્રોત છે. તે પશુઓ અને મરઘાંના આહારમાં ચોક્કસ પ્રમાણમાં વાપરી શકાય છે. શેરડીના કૂચાનાં કે ગોળની રસીનાં ચોસલાં બનાવી ખાણ-દાણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ગોળની રસીમાંથી પેટ્રો-રસાયણો પણ બનાવી શકાય છે. શેરડીનાં મૂળિયાં અને સૂકાં પાનમાંથી ખાતર બનાવવામાં આવે છે. શેરડીના સાંઠાના કટકા કરી ચાવીને ખાઈ શકાય છે. શેરડીનો રસ ઠંડો, મીઠો તથા તૃપ્તિ અને આનંદ આપનાર છે. તે બળવર્ધક છે અને થાક દૂર કરે છે. આયુર્વેદમાં નવા ગોળ કરતાં જૂનો ગોળ ઔષધો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. શેરડીનો કમળામાં, સૂર્યના તાપથી લૂ લાગવા ઉપર, આંખ અને મૂત્ર સંબંધી રોગો, કાચ કે કાંટો વાગ્યો હોય અથવા કાનખજૂરો કરડે ત્યારે, હેડકી અને ઘૂંટીના દર્દમાં ઉપયોગ કરવામાં આવે છે. દિનપ્રતિદિન ખાંડની વધતી જતી માંગ અને તેના થઈ રહેલા ભાવવધારાથી શેરડીની ખેતીનું મહત્ત્વ ઘણું વધ્યું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી