શેળો (Hedehog)


શરીર પર વાળની જગ્યાએ શૂળો (spines) ધરાવતું કીટભક્ષી પ્રાણી.

શૂળો વાસ્તવમાં વાળનું રૂપાંતર છે. તેનું શરીર શૂળોથી છવાયેલું હોય છે. તેની શૂળોના સ્નાયુઓ મજબૂત હોય છે. તેની શૂળો પોલી હોય છે જેથી તેના શરીરનું વજન ખૂબ વધી જતું નથી. જ્યારે તેના પર આક્રમણ થાય ત્યારે તે મજબૂત શૂળોને ટટ્ટાર કરી આક્રમણકારને ભોંકી શકે છે. તેને જ્યારે ભય જણાય ત્યારે તે પોતાના શરીરને શૂળોવાળા દડા જેવું કરી દઈ રક્ષણ મેળવે છે. સામાન્ય રીતે શેળો નિશાચર પ્રાણી છે. તે દિવસ દરમિયાન ખેતર, ઝાડી, વાડ જેવી જગ્યાઓમાં સંતાઈ રહે છે અને સાંજે ખોરાકની શોધમાં બહાર નીકળે છે. કીટકો ઉપરાંત શેળો કૃમિ, ગોકળગાય, ઈંડાં, જીવડાં તથા દેડકાં ખાય છે. શેળાના કાન કદમાં નાના હોય છે. રણમાં વસતા શેળા પ્રમાણમાં મોટા કાન ધરાવે છે. શેળાની આંખો વિકાસ પામેલી હોય છે. શાહુડીની જેમ તે પણ તેની પૂંછડી પાસે આવેલ ગ્રંથિમાંથી તીવ્ર વાસવાળા પ્રવાહીનો સ્રાવ કરે છે.

માદા ૩૦થી ૫૦ દિવસ સુધી ગર્ભ ધારણ કરે છે. તેઓ મોટા ભાગે વર્ષમાં બે વાર એકીસાથે બે અથવા તેથી વધારે બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાં જન્મસમયે અંધ હોય છે. માદા શેળોના નીચેના વાળ કોમળ હોય છે. આથી તેનાં બચ્ચાંને ધવરાવતી વેળાએ ઈજા થતી નથી. શેળા લગભગ ૩૦ સેમી. લાંબા અને ૪૦૦ ગ્રામ કે તેથી વધુ વજન ધરાવતા હોય છે. તેઓ લગભગ દસ વર્ષનું આયુષ્ય ધરાવતા હોય છે. શેળાની જીવાત, કૃમિ, પક્ષીઓ વગેરે ખાવાની આદતને લીધે ખેતરમાંના ખેડૂતોને તથા બગીચામાંના માળીઓને તેઓ ખૂબ ઉપયોગી લાગે છે. શેળા અનુકૂળ સમયમાં ખૂબ ખોરાક ખાઈ લે છે અને શિયાળાની ઠંડીમાં જ્યારે ખોરાક ન મળે અથવા ઓછો મળે ત્યારે શીતનિદ્રામાં પોઢી જાય છે. ખેતરોની વાડમાંથી શેળાને પકડીને તેના આગલા પગેથી ઝુલાવવાથી તે નાના બાળકના રડવા જેવો તીણો અવાજ કાઢે છે. ગામડામાં ખેડૂતોનાં બાળકો તેથી મનોરંજન મેળવે છે ! ભારત અને ઉત્તર એશિયામાં તથા યુરોપ-આફ્રિકામાં શેળાની વિવિધ જાતો જોવા મળે છે. તેમાં Erinaceus europaens મુખ્ય છે. શેળાની ઘણી જાતો ભારત, મ્યાનમાર, સિયામ (થાઇલૅન્ડ), જાવા, સુમાત્રા અને બોર્નિયોમાં મળી આવે છે. પર્વતીય પ્રદેશોમાં ૨૭૪૩ મીટર જેટલી ઊંચાઈ સુધી શેળા મળી આવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ